- text
વધારાના બે ક્લાસ વન અને આઠ ક્લાસ ટુ અધિકારીઓ મુકવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં ગંદકી
મોરબી : મોરબી શહેરમાં તા.25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે શહેરભરમાં અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા રસ્તમાં નુકશાન થવાની સાથે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની તેમજ ભૂગર્ભ ગટર ઉભરાવાની વ્યાપક સમસ્યા વચ્ચે ગંદકીના ગંજ ખડકાઈ જતા મોરબી નગર પાલિકા દ્વારા પાંચ જ દિવસમાં મોરબીને સ્વચ્છ બનાવવાનો દાવો કરી વધારાના બે ક્લાસ વન અને આઠ ક્લાસ ટુ અધિકારીઓ મૂકી સઘન કામગીરી કરવામાં આવી રહ્યાનું જાહેર કર્યું હતું પરંતુ સંદેશના રિયાલિટી ચેકમાં તંત્રનો આ દાવો પોકળ સાબિત થવાની સાથે શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલ હોવાનું સામે આવ્યું છે, ઉપરાંત જ્યાંથી હજારો મુસાફરોની રોજિંદી આવક -જાવક છે તેવા જુના બસ્ટેન્ડમાં માથું ફાડી નાખે તેવી ગંદકી અને નવા બસ સ્ટેન્ડમાં પ્રવેશ દ્વાર ઉપર જ પાણી જમા રહેતા અહીં શેવાળના થર જમ્યાનું જોવા મળ્યું હતું.
મોરબી શહેર-જિલ્લામાં જન્માષ્ટમી તહેવાર સમયે સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસતા મોરબીના શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને જાહેરમાર્ગો પાણીમાં ગરક થઇ જવાની વ્યાપક ફરિયાદો સાથે બારેમહિના ઉભરાતી ગટરો ચોકઅપ થઇ જતા લોકોના ઘરમાં રસોડા સુધી ભૂગર્ભના પાણી પહોંચ્યા હોવાનું પણ અનેક વિસ્તારમાં ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ ભારે વરસાદની સ્થિતિ બાદ ગાંધીનગર અને કચ્છથી વધારાની સફાઈ કર્મચારીઓની ટિમ ઉપરાંત વધારાના બે ક્લાસ વન અને આઠ ક્લાસ ટુ અધિકારીઓને મોરબી શહેરને ચોખ્ખું ચણાક બનાવવા જવાબદારી સોંપી ગાંધીનગરથી જેસીબી, જેટિંગ મશીન અને ટ્રેકટર પણ ફાળવવામાં આવ્યા હતા છતાં તંત્રના મોરબીને ચોખ્ખું ચણાક બનાવવાના દાવાના પાંચ દિવસ બાદ હજુ પણ મોરબીમાં યથાવત સ્થિતિ હોવાનું સામે આવ્યું છે.
સંદેશના રિયાલિટી ચેકમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગના હબ ગણાતા લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 2, 5 અને 6માં હજુ પણ નિકાલના અભાવે ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને વેપારીઓ અને ઉદ્યોગકારો ગંદા પાણીમાંથી ચાલવા મજબુર હોવાનું સામે આવ્યું હતું. એ જ રીતે દરરોજ હજારો મુસાફરો જ્યાંથી રાજકોટ, હળવદ, ભુજ સહિતના શહેરમાં મુસાફરી માટે બેસે છે તેવા જુના બસસ્ટેન્ડમાં તો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત રબારી વાસ અને મકરાણી વાસ વિસ્તારમા તો નગરપાલિકા તંત્ર નદીના પુરમાં તણાઈ આવેલ કચરો ઉપાડવાની પણ તસ્દી ન લેતા તંત્રના દાવા પોકળ સાબિત થયા હોવાનું સ્પષ્ટ બન્યું છે.
મોરબીના નવા બસસ્ટેન્ડમાં પાણી નિકાલ ન થતા શેવાળ જામ્યો
મોરબીમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા બસસ્ટેન્ડમાં પાણી નિકાલના અભાવે સતત પાણી ભરેલું રહેતા અહીં શેવાળના થર જામી જતા મુસાફરોને નવા બસસ્ટેન્ડમાં આવતા લપસી જવાનો ભય સતાવી રહ્યો છે.
મકરાણીવાસ અને રબારીવાસમાં કચરાનું સામ્રાજ્ય
મોરબી સબજેલ પાસે મચ્છુ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ રબારીવાસ અને મકરાણીવાસમાં નદીનાં પાણી ભરાયાં હતાં. આ વિસ્તારમાં તંત્રના સઘન સફાઈના દાવા વચ્ચે મહાકાય ઉકરડો જોવા મળ્યો છે, નગરપાલિકા તંત્રએ અહીં સઘન સફાઈ કરવી તો દૂર રહી નદીના પુરમાં તણાઈ આવેલ ઓવારો પણ દૂર ન કર્યો હોય ભયંકર દુર્ગંધ મારતો કચરો અને તેમાં પણ વરસાદી પાણીના જમાવડાથી રોગચાળાનો ખતરો ફેલાયો છે.
લાતીપ્લોટમાં રબડી રાજ
મોરબીના ઘડિયાળ ઉદ્યોગ હબ એવા લાતીપ્લોટમાં વરસાદી વિરામના ચારથી પાંચ દિવસના સમયગાળામાં નગરપાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા હાલમાં લાતીપ્લોટ શેરી નંબર 2,5 અને 6માં ગંદા પાણીના સામ્રાજ્ય વચ્ચે રબડી રાજ જોવા મળી રહ્યું છે અને લોકોને વાહનમાં કે ચાલીને જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- text
મોરબી નગરપાલિકામાં જ ગંદકીની ભરમાર
આખા મોરબી શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાની જેની જવાબદારી છે તેવી મોરબી નગરપાલિકા કચેરીમાં જ ગંદકીના ગંજ ખડકાયેલા છે, મોરબી પાલિકાના પાછળના ગ્રાઉન્ડમાં તો ગંદકી ઢગલા છે જ ત્યારે જ્યાં હાલમાં નગરપાલિકાનું નવું બિલ્ડીંગ બની રહ્યું છે તે આંતરિક માર્ગ પણ કાદવ અને કીચડથી ખદબદી રહ્યો હોવાના દ્રશ્યો સંદેશના રિયાલિટી ચેકમાં જોવા મલ્યા હતા આ ઉપરાંત પાલિકાના પાર્કિંગમાં પડેલા વાહનો અને ટ્રોલીમાં ઝાડવા ઉગી નીકળવાની સાથે કંડમ વાહનો જ્યા પડેલા છે ત્યાં પણ ગંદકી અને શેવાળ જોવા મળ્યો હતો.
પાલિકામાં ભૂગર્ભ છલકાવાની ફરિયાદોનો ધોધ
ખાડે ગયેલી સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી મોરબી નગરપાલિકામાં ભારે વરસાદ બાદ વહીવટી સ્થિતિ સંપૂર્ણ ખાડે ગઈ હોય તેમ દૈનિક 50થી વધુ ફફરિયાદો તો ભૂગર્ભ છલકાવાની મળી રહી છે, ભારે વરસાદ બાદ મોરબી પાલિકામાં તા.30 ઓગસ્ટ 50, 31 તારીખે 50, 2જી સપ્ટેમ્બરે 48 ભૂગર્ભની અને 63 લાઈટ બંધ હોવાની તેમજ મંગળવારે બપોર સુધીમાં જ 43થી વધુ ફરિયાદો આવી હોવાનું પાલિકાના જ ચોપડેથી જાણવા મળ્યું છે.
મોરબીના અમુક વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે
મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી પાણી ભરાયેલા છે આ અંગે સ્થાનિક મીઠાભાઇ ધંધુકિયાએ કલેક્ટરને અરજી કરતા જણાવ્યું હતું કે પાલિકામાં 30 તારીખના રોજ અરજી કરી હજી કોઈ નિકાલ કર્યો નથી સાત દિવસથી પાણી ભરાય રહેતા બાળકો શાળાએ જઈ શકતા નથી, શાકભાજી કે દુધવારા પણ નથી આવતા, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે કેડ સામાણા પાણીમાં ચાલીને જવું પડે છે. જ્યારે કન્યા છાત્રાલય પાછળ આવેલ ધર્મભૂમિ અને સારસ્વત સોસાયટીમાં પણ છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલ છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી હજુ પણ પાણી ભરાયેલા હોવા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તંત્રના હજુ આંખ આડા કાન
મોરબી શહેરમાં હજુ ઠેર-ઠેર ગંદકીના ગંજ જામેલા છે અને લાતી પ્લોટ, જુના-નવા બસ સ્ટેન્ડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે ત્યારે મોરબીને પાંચ દિવસમાં ચોખ્ખું ચણાક બનાવી દેવાનો દાવો કરનાર મોરબી પાલિકાના ચીફ ઓફિસર વાળાનો મોરબીની પ્રવર્તમાન સ્થિતિ શું છે તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબીને સ્વચ્છ બનાવવાની કામગીરી મોટાભાગે પૂર્ણ થઇ ગઈ છે અને હવે રૂટિન મુજબ કામગીરી ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ પૂરના પાણી ઓસરી જવા છતાં મકરાણીવાસ અને રબારીવાસમાં નદીનો ઓવારો હજુ યથાવત પડ્યો હોવા અંગે તેઓ અજાણ હોવાનું અને હવે તેઓના ધ્યાને આ બાબત આવતા હવે દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
- text