- text
કલેક્ટરને આવેદન આપીને પેટ્રોલ પંપનું કામ અટકાવવા ઉગ્ર રજૂઆત
મોરબી : મોરબીના કેનાલ રોડ પર પ્રમુખ બંગ્લોઝના મુખ્ય રોડ પર રહેણાક સોસાયટીના પ્લોટમાં પેટ્રોલ પંપ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા જ આસપાસના રહેણાક વિસ્તારના લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને આજે આ અંગે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પેટ્રોલપંપનું કામકાજ અટકાવવા રજૂઆત કરી છે.
રહીશોના જણાવ્યા પ્રમાણે જે-તે વખતે સોસાયટીઓ બની ત્યારે બિલ્ડરે બાહેંધરી આપી હતી કે અહીંયા વિસ્તાર માત્ર રહેણાક માટે જ છે કોઈ કોમર્શિયલ બાંધકામ કરવામાં નહીં આવે. પરંતુ પ્રમુખ બંગ્લોઝના પ્લોટ નંબર 5માં હાલમાં પેટ્રોલ પંપનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને શનિવારે ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર હોય આ વિસ્તારના 250 જેટલા ઘરના લોકોએ આજે કલેક્ટર કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ પેટ્રોલ પંપ બંધ કરોના નારા લગાવ્યા હતા.
પ્રમુખ બંગ્લોઝના રહીશ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજથી 7 માસ પહેલા પણ આ પેટ્રોલ પંપ અંગે અમે વાંધા અરજી આપી હતી. હવે રહેણાક પ્લોટમાં પેટ્રોલ પંપનું બોર્ડ લાગતા આજે પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા વિસ્તારમાં 1500 જેટલા લોકો રહે છે. આ પેટ્રોલ પંપ ટીઆરપી ગેમ ઝોન જેમ જીવતો બોમ્બ સમાન છે. જો આગની કોઈ ઘટના બનશે તો શું તંત્ર જવાબદારી લેશે ? આ પ્લોટના માલિકને મળીને આ પેટ્રોલ પંપ ન બનાવવા વાત કરી હતી પરંતુ તેઓએ કહ્યું હતું કે તંત્ર અમારી સાથે છે તમારાથી જે થાય તે કરી લો. આજે કલેક્ટર તંત્ર કહે છે કે અમે આ મંજૂરી અંગે તપાસ કરીશું.
સ્થાનિક મહિલા સરોજબેન વસીયાણીએ જણાવ્યું હતું કે, ત્યાં હાલ પણ ખૂબ ટ્રાફિક થઈ રહ્યો છે અને જો પેટ્રોલ પંપ બનશે તો અમારે બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની જશે. પેટ્રોલ પંપની મંજૂરી સરકારે કેવી રીતે આપી દીધી તે પણ પ્રશ્ન છે. જો આ પેટ્રોલ પંપની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
- text
- text