જાંબુડિયા ગામે સરકારી જગ્યામાં ખડકાયેલા દબાણો તોડી પાડતા ગ્રામ્ય મામલતદાર

- text


વર્ષ 2022માં 2500 ચો. મી. જમીન વિચરતી જાતિના લોકોના રહેણાંક મકાન માટે અપાઈ હતી : બે ઓરડી, ત્રણ વાડા અને એક કમ્પાઉન્ડ વોલને તોડી પડાઈ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામે આજે ગેરકાયદેસર બાંધકામો ઉપર ગ્રામ્ય મામલતદારનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં બે ઓરડી, ત્રણ વાડા અને એક કમ્પાઉન્ડ વોલને તોડી પાડી 2500 ચો.મી. જમીન ખુલ્લી કરાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સર્વે નંબર 144 પૈકીની સરકારી ખરાબાની જમીનમાંથી 2500 ચોરસ મીટર જમીન વિચરતી જાતિના લોકોને રહેણાંક હેતુ માટે મકાન બનાવવા કલેકટર દ્વારા માર્ચ 2022માં વિનામૂલ્યે ફાળવવામાં આવી હતી. અને પંચાયતને માપણી કરી ફાળવેલ ક્ષેત્રફળ મુજબનો લે આઉટ પ્લાન બનાવી કબજો સોપવા સૂચના કરેલ હતી. પરંતુ માપણી થઈને લે આઉટ પ્લાન તૈયાર થાય ત્યાં સુધીમાં ગરીબોને ફાળવેલા જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો થઈ ગયેલ હતા. પરિણામે આ ગરીબ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોપી શકાયેલ નહીં.

જેથી મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની સૂચનાથી આજરોજ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ નાયબ મામલતદાર ઝાલા તથા તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ દબાણો ખુલ્લા કરાવી ગરીબોને ફાળવેલ જગ્યા ખુલ્લી કરાવેલ હતી. આ તકે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ ગરીબોને ફાળવેલ જમીનની આજુબાજુ આવેલા કાચા રહેણાક મકાનોને વરસાદી વાતાવરણના લીધે કંઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખી નાગરિકોની સુવિધા નો પણ ખ્યાલ રાખેલ હતો.

- text

- text