- text
ટંકારા : ટંકારામાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા હોય જેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે. તથા અમરાપરમાં લગભગ એક વર્ષથી પાણીની લાઈન તૂટેલી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ગોધાણી ભૂપેન્દ્ર દામજીભાઈ દ્વારા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ શાખા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના ટંકારા ખાતે એક વર્ષ પહેલા ટંકારાથી અમરાપર રોડ બનાવવામાં આવ્યો હતો. તે રોડ ઉપર ટંકારાના ગાયત્રીનગર સોસાયટીથી આગળ જતા આરીસીસી રોડ બનેલો છે. આ આરસીસી રોડથી જે ડામર રોડ બનાવેલો છે. તે પોણા ઈંચ જેટલો ઉંચો બનાવવામાં આવ્યો છે. જેના લીધે ટંકારાના ખડીયાવાસની શેરીના વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેથી આખી શેરીમાં પાણી ભરાયેલા રહે છે અને ગાયત્રીનગરના નાકા પાસે અમરાપર–ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તુટેલી હાલતમાં છે. જેથી રસ્તા પર સતત પાણી વહેતું રહે છે. જેના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને રાહદારીઓ છેલ્લા એક વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું લેવલ વ્યવસ્થિત કરાવા તેમજ પાણીની લાઈનો રિપેર કરાવવા અંગે માગ કરવામાં આવી છે.
- text
- text