ભારે વરસાદ બાદ મોરબીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

- text


શાકભાજી કરતાં સફરજન સસ્તાઃ રિંગણા 140ના કિલો તો સફરજન 100ના કિલો

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મોરબીમાં આજે વરસાદે વિરામ લેતાં બજારોમાં ખરીદારી જોવા મળી હતી. લોકો છેલ્લા ચારેક દિવસથી વરસાદના કારણે ઘરમાં પૂરાયેલા હોય આજે વરસાદ બંધ થતાં લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. જો કે, વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં લોકોને મોંઘા ભાવે શાકભાજી ખરીદવા પડી રહ્યા છે.

મોરબી અપડેટે આજે મોરબી શહેરની શાક માર્કેટમાં શાકભાજીના ભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શાકભાજીના વેપારી ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવ હાલ વધારે છે. કોથમરી 800 રૂપિયે કિલો, મરચાં 80-100 રૂપિયે કિલો, ગાજર 50-60 રૂપિયે કિલો, દુધી 40-50 રૂપિયે કિલો, કોબિજ 70-80 રૂપિયે કિલો, ટામેટા 50-60 રૂપિયે કિલો, લીંબુ 200 રૂપિયાના કિલો, ભીંડો 60 રૂપિયાનો કિલો, ફ્લાવર 100 રૂપિયે કિલો, રિંગણા 140 રૂપિયે કિલો હાલ ભાવ છે. વધુ ભાવ હોવાથી ઘણા ગ્રાહકો ભાવ સાંભળીને જતા રહે છે. આ ભાવ વધારો આગામી 15 થી 20 દિવસ સુધી રહેશે તેવું વેપારીએ જણાવ્યું હતું. ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ વરસાદ પડતાં અનેક શાકભાજીનો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. જેના કારણે હાલ માર્કેટમાં 20 ટકા જ માલ આવે છે.

- text

આ તરફ ડુંગળી અને બટેકાના ભાવમાં પણ પહેલા કરતાં 5-10 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ ડુંગળી અને બટેકા 40-45 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. લસણ 300 રૂપિયાનું કિલો વેચાઈ રહ્યું છે.

- text