- text
મચ્છુ નદીના તેજ પ્રવાહના કારણે મંદિરમાં પંખા, ફ્રીજ, સ્પીકર વગેરેમા નુકસાની પરંતુ અંદરના મંદિરમાં કોઇ જ નુકશાની નહિ
મોરબી : મોરબીમાં અતિ ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો હતો. મચ્છુ-2 ડેમના એકસમયે 30 જેટલા દરવાજા ખોલી દેવાતા મચ્છુ નદી બે કાંઠે વહી હતી જેના કારણે મચ્છુ કાંઠે આવેલું મચ્છુ માતાજીનું મંદિર પણ આખું જળમગ્ન થઈ ગયું હતું. આખું મંદિર પાણીમાં ડૂબી ગયું હતું જેના કારણે મંદિરમાં ઘણું નુકસાન પણ થયું છે.જો કે મંદિરના અંદરના ગર્ભ ગુહ અને માતાજીની મૂર્તિને કોઈ જ નુકશાન થયું નથી.
મચ્છુના પાણી ઓસરી જતાં મંદિરમાં ફરીથી દર્શન શરૂ થયા છે. ત્યારે મોરબી અપડેટે મચ્છુ માતાજીના મંદિરની ખાસ મુલાકાત લીધી હતી અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી હતી. જેમાં હાલ મંદિરમાંથી પાણી ઓસરી ગયું છે. હાલ મંદિર પાસે સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2017માં પણ આ મંદિરમાં પાણી ભરાયું હતું. ત્યારબાદ 2024માં મચ્છુ માતાજીના મંદિરમાં પાણી ભરાયું હતું. મંદિરના પૂજારી રાજુભાઈએ જણાવ્યું હતું કે, મંદિરમાં 10 ફૂટ સુધી પાણી ભરાય ગયા હતા. મંદિરમાં બહારના ભાગે રહેલી બારીની ગ્રિલ પણ તૂટી ગઈ છે. તમામ પંખા પણ વળી ગયા છે અને મંદિરમાં રહેલું ફ્રીજ, ટીવી અને બે સ્પીકર પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું છે. આ ઉપરાંત બહારની તમામ બારીના કાચ તૂટી ગયા છે. ચોકડીમાં રહેલી પાણીની લાઈન પણ તૂટી ગઈ છે. જો કે મહત્વની વાત એ છે કે, આટલો પાણીનો પ્રવાહ મંદિરમાં આવ્યો હોવા છતાં મચ્છુ માતાજીના અંદરનાં ગર્ભગૃહ મંદિરના દરવાજાના કાચને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. મૂર્તિને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
- text
- text