- text
મોરબી : જિલ્લામાં આવેલા ભારે વરસાદની પગલે અનેક ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા છે. મચ્છુ નદી કાંઠાના અનેક વિસ્તારો પાણીમાં ગરક થતા લોકોના સરસામાનને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે મચ્છુ નદીના કાંઠે જ આવેલ મકરાણી વાસ લગભગ સંપૂર્ણપણે પાણીમાં ગરક થયો હતો. અહીંના રહેવાસીઓને ખૂબ મોટા પાયે નુકસાની થઈ છે. આ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં મોટાભાગની ઘરવખરી તણાઈ ગઈ છે. તેમજ હજુ પણ લોકો ઘરમાં રહી શકે તેમ નથી.
મોરબીમાં આવેલ ભારે વરસાદને પગલે સૌથી વધુ અસર મચ્છુ કાંઠા વિસ્તાર મકરાણી વાસમાં થવા પામી છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ “માત્ર અમારો જીવ બચ્યો છે એ સિવાયનું બધું નાશ પામ્યું છે.” અહી 6 જેટલા મકાનો સાવ જમીનદોસ્ત થયા છે. આ ઉપરાંત 35 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા તમામ ઘરવખરી પલળી ગઈ છે. ઘરની સ્થિતિ એટલી ખરાબ છે કે યોગ્ય સાફ-સફાઈ પણ થઈ શકે તેમ નથી. આ ઉપરાંત ચાર દિવસથી પાણી પણ આવતું ન હોય ઘરની સફાઈ કરવી ખૂબ મુશ્કેલ છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પાણી ઓસરી ગયાને બે દિવસ થયા હોવા છતાં હજી નદીનો કચરો ઘર પાસે ભરાયેલો પડ્યો છે. જો આ કચરો તેમજ વિસ્તારની સાફ-સફાઈ વહેલી તકે કરવામાં નહીં આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે. સ્થાનિકોએ વહેલી તકે સાફ-સફાઈ હાથ ધરવા તંત્ર સમક્ષ માંગ કરી છે.
- text
- text