- text
સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ પ્રોજ્કટની મદદથી સાધ્વી જેવી મહિલાને ગણતરીની કલાકોમાં દબોચી અપહરણનો ભેદ ઉકેલ્યો
મોરબી : સોશિયલ મીડિયામાં અવાર નવાર ફરતા ફેક મેસેજ જેવી સાચી ઘટના મોરબીમાં બની છે, ગત તા.25ના રોજ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપરથી મોબાઈલની સિમકાર્ડની પિન લેવા ગયેલ બાળક સાંજ સુધી પરત ન ફરતા સગીરના પિતાએ નોંધાવેલ ફરિયાદ બાદ સીટી એ ડિવિઝન પોલીસે બનાવની ગંભીરતા જોતા તહેવારના દિવસોમાં પણ નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ગોઠવાયેલ સીસીટીવી ફંફોળી સગીરને લઈ નાસી છૂટેલ સાધ્વી જેવી મહિલાને છેક કેશોદથી ઝડપી લઈ સગીરને હેમખેમ મુક્ત કરાવી પરિવારને સોંપી આપ્યો હતો.
મોરબીમાં બનેલ ચોંકાવનારી ઘટના અંગે વિગતો આપતા સીટી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત તા.25ના રોજ મોરબીના રેલવે સ્ટેશન પાસે મોબાઈલ રિપરિંગની દુકાન ધરાવતા વેપારીએ પોતાના પુત્રને નજીકની દુકાનમાંથી સિમકાર્ડની પીન લેવા માટે મોકલ્યા બાદ સગીર સાંજ સુધી પરત ન આવતા શોધખોળના અંતે પોલીસને જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસની ટીમે શહેરમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફુટેજની તપાસ કરી આ સગીર એક સાધ્વી જેવી મહિલા સાથે જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
- text
બાદમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીદારોના નેટવર્ક મારફતે તપાસ કરતા સાધ્વી જેવી જણાતી મહિલા પરબધામ ખાતે તેમજ જૂનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનોમાં હોવાની માહિતી મળતા અલગ-અલગ ટીમોને દોડાવવામાં આવતા આરોપી મહિલા આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રદ્ધાનંદ મોહનભાઇ ભીલ ઉ.42 રહે.નીચા કોટડા, તા.મહુવા, જિલ્લો-ભાવનગર નામની મહિલા સગીર સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી ઝડપી લેવામાં આવી હતી અને સગીરના મેડિકલ ચેકઅપ બાદ પરિવરજનોને સોંપી આપી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સફળ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજા, પીએસઆઇ પી.આર.સોનારા, એએસઆઈ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મકવાણા, જનકભાઈ છગનભાઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, કિશોરભાઈ મિયાત્રા, એ.પી.જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, કોન્સ્ટેબલ કપિલભાઈ ગુર્જર, અરજણભાઇ ગરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, રમેશભાઈ કાનગડ તથા રાજદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.
- text