- text
રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરથી 5 ટિમો મળી : 357 ફીડરો અસરગ્રસ્ત થયા હતા, 317નું કામ પૂર્ણ, બાકીના ફીડરોનું પુરજોશમાં ચાલતું કામ
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વીજતંત્રને મોટું નુકસાન થયું છે. જિલ્લામાં હાલ વીજ તંત્રની 50 ટિમો દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. હવે બે દિવસમાં સ્થિતિ સામાન્ય કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી હેઠળના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી. જયારે કેટલાક સ્થળો એ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીકથી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. કુલ 357 ફીડરો અસરગ્રસ્ત થયેલ હતા. જેમાંથી 317 ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જેમાં 3 જ્યોતિગ્રામ ફીડરો તથા 1 ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે.
મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો એ વીજ પ્રવાહ ખોરવાયાને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ નિગમિત કચેરી રાજકોટના એમ.ડી. દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની 2 ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા 3 ટીમોની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.
- text
વધુમાં વીજ પ્રસ્થાપનની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટરની કુલ 50 થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલમાં કાર્યરત છે.કુદરતી રીતે આવી પડેલ આફતને પહોંચી વળવા પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ પુરવઠો તેમજ વિવિધ ફરિયાદો આગામી ૪૮ કલાકમાં પૂર્વવત કરવામાં આવશે. એમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર.ઘાડીયાની યાદીમાં જણાવાયું છે.
- text