સિરામિક ઉદ્યોગ માટે રાહત : જામનગરથી એલએનજી અને પ્રોપેનની સપ્લાય શરૂ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી 70 ટેન્કર રવાના, સાંજ સુધીમાં કચ્છ તરફથી પણ સપ્લાય થશે

મોરબી : મોરબી – કચ્છ હાઇવે બંધ કરવામાં આવતા એલએનજી અને પ્રોપેન ગેસની સપ્લાય ઠપ્પ થતા 200 જેટલી સિરામિક ફેકટરી ફરજિયાત બંધ કરવી પડે તેવી નોબત આવ્યા બાદ સારા સમાચાર સામે આવ્યા છે જેમાં જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી એલએનજી અને પ્રોપેનની સપ્લાય શરૂ થતાં સાંજ સુધીમાં 70 ટેન્કર મોરબી પહોંચશે સાથે જ સાંજથી કચ્છ હાઇવે શરૂ થતાં સામખીયારી પાસે અટવાયેલા 150થી વધુ ટેન્કરો પણ મોરબી આવી પહોંચનાર હોવાનું જાણવા મળે છે.

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ગેસની કટોકટી સર્જાવા મામલે ટ્રાયો ગેસના ધર્મેશ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, મોરબીના 200 જેટલા સિરામિક એકમોમાં એલએનજી અને પ્રોપેનનો જથ્થો ખાલી થવામાં હોય અછત ન સર્જાય તે માટે બંધ કરાયેલ કચ્છ હાઇવે ઉપર આવશ્યક એવા ગેસના ટેન્કર શરૂ કરવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી પરંતુ માર્ગનું રીપેરીંગ ચાલુ હોય હજુ સુધી રસ્તો શરૂ ન થતા કચ્છના મુન્દ્રાથી સામખીયારી પહોંચેલા 150 ટેન્કર ફસાયેલા છે.

વધુમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે સારા અને રાહતના સમાચાર આપતા ધર્મેશ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી એલએનજી અને પ્રોપેનની સપ્લાય શરૂ થઈ છે. સાથે જ ટંકારા અને પડધરી તરફથી મોરબીનો વાહનવ્યવહાર શરૂ થયો હોવાથી હાલમાં 70 ટેન્કર ગેસ મોરબી તરફ રવાના થયો છે જે સાંજ સુધીમાં મોરબી પહોંચશે, આ ઉપરાંત કચ્છનો રસ્તો પણ સાંજે ખુલ્લે તેમ હોય મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આવેલી ગેસની અછતની આફત ટળી હોય તેવા અણસાર મળી રહ્યા છે.