રેકોર્ડ બ્રેક : 1990 બાદ આ વર્ષે મચ્છુ 2 ડેમમાંથી સૌથી વધુ પાણી છોડવામાં આવ્યું

- text


1979ના હોનારત બાદ ડેમ રિપેર કરી મોટો બનાવાયા બાદ આ વર્ષે એક સાથે સૌથી વધુ 2.63 કયુસેક પાણી છોડવાનો રેકોર્ડ સર્જાયો : મોરબીનો મચ્છુ-2 ડેમ ચાર વખત ભરાય એથી પણ વધુ પાણી મચ્છુ નદીમા છોડી દેવાયું

મોરબી : મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-2 ડેમનો ઈતિહાસ ઘણો નોખો-અનોખો રહ્યો છે. વર્ષ 1979માં સર્જાયેલી મચ્છુ હોનારતની દર્દનાક ઘટના એક બિહામણા સ્વપ્ન જેવી છે ત્યારે ડેમ તૂટ્યો અને જેટલું પાણી છૂટયું હતું તે બાદ સૌથી વધુ પાણી બે દિવસ છોડવામાં આવ્યું હતું. ડેમના રીનોવેશન બાદ પ્રથમવાર એક સાથે 30-30 દરવાજા ખોલી 2.90 લાખ ક્યુસેક જેટલું રેકોર્ડબ્રેક પાણી છોડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, મચ્છુ -2 ડેમમાં કુલ 3104 એમસીએફટી પાણી સંગ્રહી શકાય છે જેની સામે આ વર્ષે પાણીની તોતિંગ આવક જોતા 36 કલાકમાં કુલ 13,379 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું હતું જેથી છોડાયેલ પાણીથી મચ્છુ -2 ડેમ ચારથી પાંચ વખત ભરી શકાય તેટલો જથ્થો છોડવામાં આવ્યો હતો.

જે પોષતું તે જ મારતું તે ઉક્તિ પ્રમાણે મોરબીનો તારણહાર ગણાતો મોરબીનો મચ્છુ-2 ડેમે વર્ષ 1979માં એકઝાટકે મોરબીને તબાહ કરી નાખ્યું હતું અને મોરબીના ઇતિહાસમાં સૌથી ગોઝારી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય દુર્ઘટના પૈકીની એક મોરબીની મચ્છુ જળ હોનારત સર્જાતા આ દુર્ઘટનામાં અકલ્પનિય વિનાશ સર્જ્યો હતો. જો કે મોરબીના લોકોની ખુમારીએ એવા પ્રાણ ફૂંક્યા કે મોરબી સ્મશાનની રાખમાંથી બેઠું થઈ ગયું.

- text

મચ્છુ ડેમ 1979માં તૂટ્યો ત્યારે 18 દરવાજા હતા. ડેમ તૂટ્યા બાદ થોડા વર્ષોમાં નવો મહાકાય અને મજબૂત ડેમ બનાવનું કામ શરૂ થયું અને 1989માં આ મચ્છુ ડેમનું કામ પૂરું થયું. જ્યારે 1990માં પ્રથમ વખત આ ડેમ અડધો ભરાયો અને 1991માં પ્રથમ વખત ડેમ સંપૂર્ણ ભરાયો. ત્યારબાદ ત્રણ દિવસ પેહલા આ ડેમ 19મી વખત છલકાઈ ચુક્યો હતો. આ ડેમમાંથી અત્યાર સુધીમાં 5 વખત 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. જેમાં 1994માં 1.13 લાખ ક્યુસેક, 1997માં 1.25 લાખ ક્યુસેક, 2017માં 2.24 લાખ, 2020માં 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે આ વર્ષે 2024માં ત્રણ દિવસ પેહલા રેકોર્ડબ્રેક 2.63લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


36 કલાકમાં 4 ડેમ ભરાય તેટલું પાણી છોડાયું

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રીજા નંબરનો 3104 MCFT ની ક્ષમતા ધરાવતો મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાય જતા 36 કલાકની અંદર મચ્છુ 2 ડેમ ચાર વખત ભરાય તેટલું 13,379 MCFT છોડાયું હતું જે ડેમના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાણી છે.


ક્યાં વર્ષમાં કેટલું પાણી છોડાયું ?

વર્ષ 1990 : 16,705 ક્યુસેક

વર્ષ 1992 : 11,473 ક્યુસેક

વર્ષ 1994 : 1,13,184 ક્યુસેક

વર્ષ 1996 : 7019 ક્યુસેક

વર્ષ 1997 : 1,25,428 ક્યુસેક

વર્ષ 2004 : 20,591 ક્યુસેક

વર્ષ 2005 : 32,996 ક્યુસેક

વર્ષ 2006 : 38,835 ક્યુસેક

વર્ષ 2007 : 37,579 ક્યુસેક

વર્ષ 2008 : 51,830 ક્યુસેક

વર્ષ 2010 : 46,630 ક્યુસેક

વર્ષ 2011 : 88,960 ક્યુસેક

વર્ષ 2013 : 9070 ક્યુસેક

વર્ષ 2015 : 7575 ક્યુસેક

વર્ષ 2017 : 2,24,520 ક્યુસેક

વર્ષ 2019 : 71,750 ક્યુસેક

વર્ષ 2020 : 1,36,188 ક્યુસેક

વર્ષ 2021 : 64,566 ક્યુસેક

વર્ષ 2024 : 2,63,000 ક્યુસેક


- text