ખાખરાળાના ભવાઈ કલાકાર પ્રાણલાલ પૈજાની સંસ્કાર વિભૂષણ એવોર્ડ માટે પસંદગી

- text


આગામી 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલ હસ્તે એવોર્ડ અપાશે

મોરબી : રંગમંચ લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા દર વર્ષે સંસ્કાર ભારતી વિભૂષણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ખાખરાળા ગામના ભવાઈ કલાકાર પ્રાણલાલ પૈજાની સંસ્કાર વિભૂષણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ વર્ષે પણ આ કાર્યક્રમ લોકમાતા દેવી અહલ્યાબાઈની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ 2024 નું ભવ્ય આયોજન આગામી 1 સપ્ટેમ્બર રવિવાર સાંજે 4:30 કલાકે ડો. બાબા આંબેડકર યુનિવર્સીટી એસ.જી. હાઇવે છારોડી કર્ણાવતી મુકામે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે

જેમાં મુખ્ય મહેમાન આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ,પ્રવાસન વનપર્યાવરણ રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી મુળુભાઇ બેરા તેમજ પૂર્વ સચિવ પી. કે. લહેરી સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ, અખિલ ભારતીસંસ્કાર ભારતી કોષઅઘ્યક્ષ સુભાસચંદ્ર અગ્રવાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહક યશવંતભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતમાં યોજાશે.

- text

મોરબી જીલ્લાના ખાખરાળા ગામના વતની અને સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના નાયક પ્રાણલાલ પૈજા કે જેઓ નિવૃત શિક્ષક છે અને એમણે જણાવ્યા મુજબ, ખાખરાળા ગામના 130 વર્ષ જુના ભવાઈ મંડળમાં તેમના પિતાજી બાબુલાલ કાનજીભાઈ વ્યાસ અને એમના દાદા કાનજીભાઈ વ્યાસે આ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું કરેલું અને હાલ તેઓ પોતાના મંડળ સાથે આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે ભવાઈમાં વિવધ પાંચ કલાઓ સમાયેલી છે જેમાં સાહિત્ય, લોકકલા,સંગીત,નૃત્ય તેમજ અભિનયનો સમન્વય છે. ભવાઈ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરે છે.

વિશ્વ વિખ્યાત ખાખરાળાનું ભવાઈ મંડળ ભારતના વિવિધ રાજ્યોમાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાંતો પોતાની કલા રજુ કરી ચુક્યા છે આ ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, વેસ્ટન્ડિઝ, સુરીનામ, કેનેડા, ઈરાનમાં પણ પોતાની ભવાઈ કલા રજુ કરી ચુક્યા છે.

તેઓને આ ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી એવોર્ડ, NSD એવોર્ડ, કોકોનેટ થિયેટર એવોર્ડ, વિશ્વરંગભૂમિ પુરસ્કારથી સન્માનિત થયેલા છે. આ સાથે તેમને સંસ્કાર વિભૂષણ એવોર્ડ માટે પસંદગી થતા સમગ્ર મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિ તેમજ મોરબી જીલ્લાના કલાકાર મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

- text