મોરબી જિલ્લામાં રોડ રસ્તાનાં રીપેરીંગ અને વીજ પુરવઠો પૂર્વરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ : કલેકટર 

- text


મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં કલેકટર કે.બી.ઝવેરીએ વિસ્તાર પૂર્વક માહિતી આપી : સાથે જણાવાયું કે પૂર્વ આયોજનના કારણે આકાશી આફતનો સારી રીતે સામનો કરી શક્યા છીએ

કલેકટર વધુ માં કહ્યું ત્રણેક દિવસમાં સાફ-સફાઈ, દવા પાવડર છંટકાવની કામગીરી પૂર્ણ થશે : રાજ્ય સરકારના આદેશ મુજબ ખેતીવાડીને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરાશે 

કલેકટરે વહીવટી તંત્રની કામગીરીમાં લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે રોડ રસ્તા, ખેતીવાડી, વીજ પુરવઠાને મોટાપાયે નુકસાન થયું છે. આ તમામ રીપેરીંગ કામગીરી તેમજ જનજીવન સામાન્ય થાય તે માટે આગામી શું શું પગલા લેવાશે તેમજ કઈ રીતે કામગીરી કરાશે. તે અંગે મોરબી અપડેટ સાથે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ખાસ વાતચીત કરી જરૂરી માહિતી આપી હતી.

મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું હતું. ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં પણ રેડ એલર્ટ અપાયું હતું. ખાસ કરીને મોરબી, વાંકાનેર, ટંકારામાં ખૂબ વરસાદ થયો છે. અગાઉ જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો ત્યાર પછી આ બીજી વખત 2.90 લાખ ક્યુશેક પાણી મચ્છુ ડેમમાં આવ્યું. જે પાણી પણ ખૂબ સલામત રીતે પસાર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રના પૂર્વ આયોજનના કારણે પ્રજાને આ મેઘ તાંડવમાં ખૂબ ઓછી તકલીફ પડે તેવું આયોજન થયું હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. મચ્છુ નદીના પુરનાં કારણે એક પણ મૃત્યુનો કેસ જોવા મળ્યો નથી. જે રાહતની વાત છે. હાલ વરસાદ એ વિરામ મુકતા પરિસ્થિતિ પૂર્વવત થઈ છે, જનજીવન સામાન્ય થયું છે.

વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે મોરબીમાં થયેલી અતિવૃષ્ટિને પગલે હાલમાં પંચાયતના 10થી 12 જેટલા રોડ બંધ છે તેમજ સ્ટેટના પણ 7 થી 8 રસ્તા અને નેશનલ હાઈવે જે બંધ હતો તે પણ શરૂ કરાયો છે. આ અતિવૃષ્ટિમાં અમને રાજ્ય સરકારની પૂરતી મદદ મળી છે. અમારી માંગ મુજબ અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની પણ સરકાર તરફથી મદદ મળી છે. જિલ્લા કલેકટરે સ્થળાંતરણ અંગે જણાવ્યું હતું કે આ પૂરને પગલે 1510 જેટલા લોકોને શેલ્ટર રૂમમાં રખાયા હતા. જેમાંથી આમરણ અને તેની આજુબાજુ વિસ્તારના લોકો પોતાના ઘર તરફ પરત ગયા છે. જ્યારે માળિયા અને મચ્છુ પટમાં રહેતા લોકોને અમારા આશ્રય સ્થાનમાં હજુ પણ રખાયા છે. જેઓને દવા, ખાવા પીવાની તમામ સગવડ પૂરી પડાય છે. એકાદ દિવસમાં તેઓ પણ પોતાના ઘરે પરત ફરશે. મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂડપેકેટનો સહયોગ મળ્યો છે. જે તમામ સંસ્થાઓનો કલેકટરે આભાર માનતા જણાવાયું હતું કે અમારા દ્વારા 29,500 જેટલા ફૂડ પેકેટ અસરગ્રસ્તોને અપાયા છે તેમજ તેનો સ્ટોક હજુ પણ અમારી પાસે છે.

- text

વધુમાં મોરબી જિલ્લામાં ખીરવાયેલા વીજ પુરવઠા અંગે જણાવ્યું હતું કે માળીયા સિવાય તમામ જગ્યાએ વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે. માળીયામાં અમારી પીજીવીસીએલ અને જેટકોની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી છે. ત્યાં પણ આજ સાંજ સુધીમાં તમામ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે. પાણીમાં ગરક થયેલા ગામડાઓ અંગે જણાવ્યું હતું કે મોટાભાગે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પાણી ઉતરી ગયા છે. માળીયાના એક પણ ગામમાં હવે પાણી રહ્યું નથી. અમારા પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવના માર્ગદર્શન હેઠળ અમે કામગીરી કરી રહ્યા છીએ.

સાફ-સફાઈ, રોગચાળા ન ફેલાય તેની કામગીરી માટે નગરપાલિકામાં અને બે ક્લાસ વન અધિકારીના અંડરમાં ચાર ક્લાસ ટુ અધિકારીને ચાર ઝોનમાં વહેંચી દીધા છે. વાઢેર સાહેબ અને વાળા સાહેબ આગામી ત્રણેક દિવસમાં સાફ-સફાઈ સેનિટેશનની કામગીરી પૂર્ણ કરાવશે. એ જ રીતે હળવદમાં ત્રણ અધિકારી, વાંકાનેરમાં બે અધિકારી, માળિયામાં ત્રણ અધિકારી અને ટંકારામાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગરથી પણ 2 વધારાની મેડિકલ ટીમો આવી છે.

અતિવૃષ્ટિને પગલે ખેતરોમાં કેડ સમાણા પાણી ભરાણા હોય અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હોય જે અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ગઈકાલે મોરબીમાં પૂરના પાણી ઉતારવા સાથે હવે ખેતરોમાં થયેલા નુકસાનની સર્વેની કામગીરી રાજ્ય સરકારના આદેશ મુજબ કરીશું. કેશડોલ્સ, પશુના અપમૃત્યુની સહાય તેમજ ખેતીવાડીમાં થયેલ નુકસાન અંગે સર્વે કરી રાજ્ય સરકારના આદેશ મુજબ ખૂબ ઝડપથી સહાય ચૂકવવામાં આવશે.

હજુ પણ મોરબી જિલ્લામાં આકાશી આફત માટે રેડ એલર્ટ હોય તે અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે અમે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છીએ ત્યારે લોકો પણ તંત્રના કામમાં સહકાર આપે અને મોરબીને સ્વચ્છ જિલ્લો બનાવે. રેલ્વેને થયેલી અસર અંગે જણાવ્યું હતું કે અમે સ્ટેશન માસ્તર અને ડીઆરએમ સાથે ટેલિફોનિક વાત કરી છે રેલવે પણ તાત્કાલિક પૂર્વવત શરૂ થાય તે માટે કામગીરી ચાલી રહી છે.

- text