ભારે વરસાદ અને મચ્છુના પુરના કારણે માળીયા(મિ)ના મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન

- text


500 નાના અને 100 મધ્યમ તેમજ 3 કંપનીઓમાં કલ્પના બહારનું નુકશાન : તૈયાર માલ 25 ટકા પલળી ગયો, નુકશાનનો ક્યાસ મેળવવામા મહિનાઓ લાગશે

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રને છેલ્લા ત્રણ દિવસથી ધમરોળી રહેલા મેઘરાજાએ મોરબી જિલ્લામાં તબાહી સર્જી છે ત્યારે આ ભારે વરસાદમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મીઠા ઉદ્યોગને કલ્પના બહારનું નુકશાન થયું છે, માળીયા મિયાણા પંથકના 500 નાના, 100 મધ્યમ અને 3 કંપનીઓમા તૈયાર મીઠા ઉપરાંત સાગર પાળા તોડી વરસાદી પાણી સોલ્ટ પ્લાન્ટમાં ઘુસી જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અને આ નુક્શાનીનો સાચો આંકડો સામે આવતા પણ મહીનાઓનો સમય લાગશે.

મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં 500 જેટલા નાના અને 100 જેટલા મોટા મીઠા ઉદ્યોગ આવેલા છે, આ ઉપરાંત હળવદ તાલુકામાં પણ નાના મોટા અનેક મીઠાના અગર આવેલ છે જે તમામને ભારે વરસાદને કારણે કલ્પના બહારનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મચ્છુ – 2 ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મચ્છુના પાણી માળીયા પંથકમાં ફરી વળતા મીઠા ઉદ્યોગના કાચા – પાકા માલ ઉપર પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે.

માળીયા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી અને જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉ આવેલ સુનામી અને તોકતે વાવઝોડા કરતા પણ વધુ નુકશાની ભારે વરસાદ અને મચ્છુ નદીના પાણી ફરી વળતા થઈ હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, વરસાદી પાણીને કારણે 500જેટલા નાના અને 100 જેટલા મીઠાના એકમોના સાગર પાળા ધોવાઈ જતા પાણીનો પ્રવાહ મીઠાના એકમોમાં ઘુસી જતા ચારે તરફ કાદવ અને કીચડ ભરાઈ ગયા છે.

વધુમાં દિલુભા જાડેજાએ ઉમેર્યું હતું કે, ભારે વરસાદને કારણે મીઠાની બેડ પણ ધોવાઈ ગઈ છે ઉપરાંત મીઠાનો કરોડો ટન જથ્થો પણ ધોવાઈ જતા 25 ટકા જેટલો તૈયાર માલ પાણીમાં ઓગળી ગયો છે અને હજુ પણ વરસાદ આમને આમ ચાલુ રહેશે તો નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

- text

મીઠાની શોર્ટજ થવાની શકયતા

દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન માળીયા મિયાણા અને કચ્છ જિલ્લામાં થાય છે ત્યારે ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં મીઠાનો કાચો માલ તેમજ તૈયાર માલ ધોવાઈ ગયો છે અને 25 ટકા તૈયાર મીઠું પાણીમાં ઓગળી ગયું છે ત્યારે મીઠા ઉદ્યોગને પુનઃ સ્થાપિત થતા હજુ દોઢેક મહિનો લાગે તેમ હોય મીઠાની શોર્ટજ થાય તેવી સ્થિતિ હોવાનું મીઠાના અગ્રણી ઉધોગકાર દિલુભા જાડેજાએ જણાવ્યું હતું.

- text