હાશ ! બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મોરબી – કચ્છ હાઇવે શરૂ થશે

નેશનલ હાઇવે અને માર્ગ મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી : નાના વાહનો માટે રાત્રીથી જ રસ્તો ખોલાયો

મોરબી : ભારે વરસાદને કારણે માળીયા નજીક નેશનલ હાઇવે ઉપર ગાબડા પડી જતા કચ્છ હાઇવે બંધ કરાયા બાદ ગઈકાલથી યુદ્ધના ધોરણે હાઈવેની મરામત કરવાની શરૂ કરવામાં આવતા મોડી રાત્રીથી જ નાના ફોર વ્હીલર વાહનો માટે હાઇવે શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ રસ્તાનું રીપેરીંગ કાર્ય ચાલુ હોય બપોરે ત્રણેક વાગ્યા સુધીમાં હેવી વાહનો માટે પણ રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેવી શકયતા માળીયા મિયાણા મામલતદારે વ્યક્ત કરી છે.

છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે માળીયાના ખીરઇ નજીક નેશનલ હાઇવેમાં ગાબડા પડી જતા હાઇવેનું ધોવાણ થઈ ગયું હોવાથી સુરજબારી તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગ મોરબી સહિતની ટીમોએ તૂટી ગયેલા હાઇવેનું યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે રીપેરીંગ કાર્ય શરૂ કરી ગત મોડી રાત્રીથી નાના ફોર વ્હીલ વાહનો માટે રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો.

માળીયા મિયાણા મામલતદાર સાનિયાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબી – કચ્છ હાઇવેનું રીપેરીંગ ચાલુ છે, સંભવત બપોરે ત્રણ વાગ્યા સુધીમાં હાઇવેનું સંપૂર્ણ રીપેરીંગ કાર્ય પૂર્ણ કરી લઈ હેવી વાહનો માટે પણ રસ્તો ખોલી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ પણ હાલમાં રસ્તાનું રીપેરીંગ પૂર્ણતાને આરે હોય બપોર સુધીમાં માર્ગ ઉપર પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.