29 ઓગસ્ટ : મોરબી-કચ્છ હાઇવે યુદ્ધના ધોરણે રિપેર કરી પનુઃ શરૂ કરાયો

- text


મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્થળ પરથી સત્તાવાર જાહેરાત કરી : નેશનલ હાઈવેની ચકાસણી બાદ ભારે વાહનો સહિત તમામ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યાની જાહેરાત

મોરબી : આજે 29 ઓગષ્ટે સવારે 11.30 વાગ્યે મોરબી-કચ્છ હાઇવે યુદ્ધના ધોરણે રિપેર કરી પનુઃ શરૂ કરાયો હોવાની મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે માળીયાના હરીપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ-મોરબી હાઇવે બંધ કરાયો હતો જે ભારે વાહનો સહિત તમામ વાહનો માટે યાતાયાત ફરી શરૂ કરાવામાં આવ્યો છે.

મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળીયા વિસ્તારમાં ફરી વળ્યું હતું ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઇવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઇવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બુધવારે મંત્રી, સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાએ આ સ્થળની મુલાકાત લઇ હાઈવેના રીપેરીંગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી. અને ત્યાર બાદ ગત રાત્રીના પ્રથમ નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.

જ્યારે ગઈકાલ બુધવારની બેઠકમાં મંત્રીએ નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. અને આજે 29 ઓગષ્ટે મંત્રીએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઇવે દ્વારા મંત્રીને રિપોર્ટ કરતા મંત્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને હાઇવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ થયાની સ્થળ પરથી સત્તાવાર જાહેરાત કરી હતી.

આ વેળાએ મંત્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા સહિત અધિકારીશ્રી સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text