મોરબી જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી માટે વધારાની મેડિકલ ટીમો ફાળવાઇ

- text


ભારે વરસાદથી પ્રભાવિત મોરબી જિલ્લામાં 2 મેડિકલ ટીમ જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે પાંચ દિવસ માટે મોકલવામાં આવી

મોરબી : ભારે વરસાદથી પ્રભાવિત મોરબી જિલ્લામાં ગાંધીનગરથી વધારાની બે મેડિકલ ટીમ આરોગ્યલક્ષી અને રોગચાળો અટકાવવાની કમગીરી માટે મોકલવામાં આવી છે.

આ મેડિકલની એક ટીમમાં જરૂરી સંસાધનો સાથે એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઇવર હશે. આવી બે ટીમો મોરબી મોકલવામાં આવી છે.

મોરબી જિલ્લામાં મોકલવામાં આવેલી બંને ટીમ હાલ પહોંચી ગઈ છે. ૧ ટીમ તાલુકા હેલ્થ ઓફિસર મોરબી અને ૧ ટીમ તાલુકા હેલ્થ ઓફિસર માળિયાના સંકલનમાં મૂકવામાં આવી છે. આ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકા હેલ્થ ઓફિસરના નિર્દેશ અનુસાર કામગીરી કરવામાં આવશે. જેમાં આ ટીમ સ્થાનિકજનોની સ્વાસ્થ્ય ચકાસણી સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેના સધન પ્રયાસો હાથ ધરશે.

- text

તંત્રના જણાવ્યા મુજબ મેડિકલ ટીમ દ્વારા જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવારથી જ મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે. આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરીનેશન પણ ચકાસવામાં આવશે.

તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.

- text