માળીયા મિયાણાના દહિસરા ગામનું તળાવ જોખમી બન્યું, પ્રભારીમંત્રીએ કર્યું નિરીક્ષણ

- text


જોખમી તળાવમાંથી પાણીના નિકાલ માટે તાત્કાલીક પગલા લેવા અધિકારીઓને આપી સૂચના

મોરબી : માળિયા તાલુકાના મોટા દહિસરા ગામે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતા જોખમી બનેલા તળાવનું મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નિરીક્ષણ કરી તાત્કાલીક અસરથી યોગ્ય પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી.

મોરબી જિલ્લની ગંભીર પરિસ્થિતિ અન્વયે જિલ્લાની સમીક્ષા અર્થે આવેલા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે પૂરેપૂરા ભરાઈ જઈ જોખમી બનેલા તળાવનું નિરીક્ષણ કરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક જિલ્લા કલેક્ટરનો ટેલિફોનીક સંપર્ક કરી યુદ્ધના ધોરણે યોગ્ય કામગીરી કરાવવા માટે સૂચના આપી હતી.

મોટા દહિંસરા ગામે 500 વિઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલું તળાવ હાલ છલોછલ ભરાઈ ચૂક્યુ છે. હવે બનતી ત્વરાએ કોઈ પગલાં લેવામાં ન આવે તો તળાવનું પાણી ગામમાં ઘુસી શકે તેવી સંભાવના છે, અથવા જો તળાવ તૂટે તો ભારે તારાજી સર્જાય તેમ છે જેથી પ્રભારી મંત્રીએ આ તળાવનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી તાકીદ કરી હતી. મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટા દહિંસરા, વવાણીયા ગામના લોકો સાથે રહ્યા હતા.

- text

- text