કુદરતના કહેરે અંતિમયાત્રાને પણ કપરી બનાવી દીધી !

- text


મોરબીના હજનાળી ગામે ગોઠણસમાં પાણીમાં નીકળી અંતિમયાત્રા, સ્મશાન ઊંચાઈમાં હોવાથી અગ્નિદાહ દઇ શકાયો

મોરબી : મોરબી પંથકમાં કુદરતના કહેરે અનેક નુકસાની સર્જી છે. લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો કે હજનાળી ગામે એક તરફ પરિવારના સભ્યનું નિધન અને બીજી તરફ ગોઠણસમાં ભરાયેલા પાણી. આ પરિવારને અંતિમયાત્રામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના હજનાળી ગામના સરપંચ મહેશભાઈ પરેજિયાના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે 4 વાગ્યે ઠાકોર સમાજના નરશીભાઈ લક્ષ્મણભાઈ ધંધુકિયાનું અવસાન થયું હતું. તેઓની અંતિમ યાત્રા સવારે 10:30 વાગ્યા આસપાસ નીકળી હતી. આ અંતિમયાત્રામાં ગોઠણસમાં પાણીમાં સ્મશાન સુધી જવું પડ્યું હતું.

- text

જો કે સ્મશાન ઉંચાઈવાળા વિસ્તારમાં હોવાથી ત્યાં કોઈ મુશ્કેલી સર્જાઈ ન હતી. બીજું કે સેવાભાવી લોકો દ્વારા સૂકા લાકડાની વ્યવસ્થા કરી આપવામાં આવતા અગ્નિદાહમાં પણ કોઈ અડચણ આવી ન હતી. પણ ઠાકોર સમાજના વ્યક્તિના આકસ્મિક નિધનથી પરિવાર શોકમગ્ન હતો. તેવામાં ભારે વરસાદના કારણે ઉદભવેલી પુર જેવી સ્થિતિના કારણે આ પરિવારને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

- text