મોરબીથી કચ્છ નેશનલ હાઇવે કાલે ગુરૂવાર સુધીમાં શરૂ કરાવવા પ્રભારી મંત્રીની સૂચના

- text


મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ બાદ જિલ્લાની સ્થિતિ પૂર્વવત કરવા બાબતે બેઠક યોજાઈ : ખેતીમાં થયેલ નુકસાન બાબતે યોગ્ય સર્વે કરવા પણ સૂચના

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ હવે જિલ્લાની તમામ કામગીરી અને જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

મોરબી જિલ્લામાં રેડ એલર્ટ બાદ હવે વરસાદે આંશિક વિરામ લીધો છે અને ધીરે ધીરે પરિસ્થિતી થાળે પડી રહી છે. ભારે વરસાદના પગલે મોરબી જિલ્લામાં જનજીવન ખોરવાયું છે, તે પૂર્વવત કરવા માટે અને જિલ્લામાં ભારે વરસાદના પગલે કરવામાં આવેલી કામગીરી તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર કામગીરીના આયોજન અંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી શક્ય તેટલી ઝડપે જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે દવા છંટકાવ, સુપર ક્લોરીનેશન, જીવજંતુઓના વ્યવસ્થાપન સહિતની બાબતો સંદર્ભે સંબંધિત વિભાગોને કામગીરી કરવા સૂચના આપી હતી. મંત્રીએ આવતીકાલ સુધીમાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવાની બાબત પર ભાર મૂકી યોગ્ય કામગીરી કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત માર્ગ અને મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગ તથા નગરપાલિકા હસ્તકના તમામ રસ્તાઓના સમારકામ કરવા અને ખાડાઓ પુરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવવા માટે તાકીદ કરી હતી.

ગ્રામ્ય વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઈ તેમજ પાણીના નિકાલ બાબતે પણ મંત્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી. નગરપાલિકાઓમાં પાણીના નિકાલ તેમજ સાફ-સફાઈ માટે જરૂરી તમામ સાધન સામગ્રી અને માનવશ્રમ અંગે આયોજન કરી આવતી કાલથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું.

ઉપરાંત મંત્રીએ ખેતીવાડી અધિકારીને પાક ધોવાણ અને ખેતીમાં થયેલ નુકસાન બાબતે યોગ્ય સર્વે કરી સરકાર દ્વારા કરવામાં આવતી સહાય ખેડૂતોને મળે તે માટે સંવેદનાથી કામગીરી કરવા જણાવ્યું હતું.

- text

આ બેઠકમાં મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text