હળવદના ઢવાણા ગામે નદીમાં તણાઈ ગયેલ ત્રણ હતભાગીઓના મૃતદેહ મળ્યા, 5 હજુ પણ લાપતા

- text


ટ્રેકટર અને ટ્રોલી પુરમાં તણાયા બાદ 48 કલાકે મૃતદેહ મળ્યા

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં બેસી નદી પાર કરી રહેલા 17 લોકો સાથેનું ટ્રેકટર પુરના પ્રવાહમાં તણાઈ ગયાના 48 કલાક બાદ હજુ પણ પાંચ લોકો લાપતા છે અને એક સગીર સહિત ત્રણ હતભાગીઓના મૃતદેહ મળી આવતા નાના એવા ઢવાણા ગામમાં તહેવારના સપરમાં દિવસોમાં જ શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત તા.25ની રાત્રીએ ભારે વરસાદને કારણે નદીમાં પુર આવતા નવા ઢવાણા ગામ જવા માટે ટ્રેકટર ટ્રોલીમાં 17 લોકો બેસી નદી પાર કરી રહ્યા હતા ત્યારે ટ્રેકટર અને ટ્રોલી પુરના પ્રવાહમાં તણાઈ જતા આ ઘટનામાં 9 લોકો બચી ગયા હતા. જો કે, આ ગોઝારી ઘટનાના 48 કલાક કરતા વધુ સમય બાદ વિજયભાઇ સુરેશભાઇ મકવાણા, ઉ.19 રહે-નવા ઢવાણા, અશ્વિનકુમાર હીરાભાઇ રાઠોડ, ઉ.30 રહે-જોરાવરનગર, તા-વઢવાણ જી-સુરેન્દ્રનગર અને રામદેવ પ્રવિણભાઇ મકવાણા, ઉ.15 રહે-નવા ઢવાણા તા-હળવદ વાળાઓના મૃતદેહ મળી આવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, આ ગોઝારી દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ હજુ પણ આશિષ સુરેશભાઇ બારોટ, રાજુબેન ગણપતભાઇ બારોટ તથા તેની ભાણી જીનલ મહેશભાઇ બારોટ ઉ.6 ગીતાબેન સુરેશભાઇ બારોટ, જાનકીબેન પ્રવિણભાઇ મકવાણા સહિત પાંચ માણસો હજુ પણ મળેલ ન હોય તેઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

- text