28 ઓગષ્ટ, સવારે 10 વાગ્યે : હજુ પણ માળીયા – કચ્છ નેશનલ હાઇવે બંધ

- text


માળીયા મિયાણા શહેર તરફ જતા તમામ રસ્તા પણ બંધ : મોરબી – લીલાપર – રફાળેશ્વર રસ્તો શરૂ કરાયો

માળીયા મિયાણા નજીક નેશનલ હાઇવે તૂટ્યો હોવાથી હજુ પણ 24 કલાક સુધી માર્ગ શરૂ નહીં થાય

મોરબી : ભારે વરસાદને કારણે કચ્છના પ્રવેશદ્વાર સમાન મોરબી કચ્છ હાઇવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળતા નેશનલ હાઇવે બંધ કરાયો છે અને માળીયા મિયાણા તરફ જતા તમામ રસ્તાઓ પણ બંધ છે ત્યારે માળીયા નજીક નેશનલ હાઇવે તૂટી જતા હજુ આગામી 24 કલાક સુધી હાઇવે શરૂ થાય તેવી શકયતા ન હોવાનું સામે આવ્યું છે, સાથે જ માળીયા મિયાણા તરફના તમામ હાઇવે પણ બંધ હોય મોરબી – માળીયા વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. બીજી તરફ મચ્છુ -2 ડેમમાંથી પાણી છોડવાને કારણે બંધ કરાયેલ લીલાપર – રફાળેશ્વર હાઇવે આજે શરૂ કરાયો છે.

મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો બંધ કરાયા છે ત્યારે કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયાના ખીરઇ નજીક મચ્છુ નદીના પુરના પાણી ફરી વળતા હાઇવેમાં મસમોટા ગાબડા પડ્યા હોવાથી હાલમાં નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મોરબી કચ્છ નેશનલ હાઇવે હજુ પણ આગામી 24 કલાક સુધી ચાલુ થાય તેવી શકયતા ન હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ મચ્છુ નદીના પુરના પાણી ફરી વળતા હાલમાં માળીયા મિયાણા સંપર્ક વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ છે, હાલમાં મોરબીથી માળીયા તરફ જવાના તમામ માર્ગ બંધ છે, મોરબી – માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપરાંત પીપળીયા ચાર રસ્તા વાળો માર્ગ પણ બંધ કરાયો હોય માળીયા સંપર્ક વિહોણું બન્યું છે.

દરમિયાન મોરબીના મચ્છુ -2 ડેમમાંથી ગઈકાલે ઐતિહાસિક કહી શકાય તેટલું 2.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સલામતી માટે શહેરના લીલાપર કેનાલ રોડથી રફાળેશ્વર તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો જે આજે વર્તમાન સ્થિતિની સમીક્ષા બાદ આ માર્ગને શરૂ કરવામાં આવ્યો હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text