માળિયાના કુંતાસી ગામની પ્રસુતાને ખાટલામાં બેસાડીને કોઝવે પાર કરી હોસ્પિટલ લઈ જવાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ સુધી પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયા છે. સાથે જ મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી બાજુ અનેક ગામોમાં નીચાણવાળા કોઝવે પરથી વધુ પાણી પસાર થવાના કારણે અવર-જવરના રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. ત્યારે ગઇકાલે માળિયા મિયાણા તાલુકાના કુંતાસી ગામના ભાંભી દુર્ગાબેન પ્રકાશભાઈને અચાનક જ પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. પરંતુ વધુ વરસાદના કારણે કુંતાસી અને હજનાળી ગામ વચ્ચે આવેલા નીચાણવાળા કોઝવે પર વધુ પાણી પસાર થતું હોવાના કારણે કોઈપણ વાહન પસાર થઈ શકે તેમ નહતું. જેથી કુંતાસી ગામના સ્થાનિક લોકો મદદ માટે આગળ આવી મહિલાને ખાટલા પર બેસાડી કોઝવે પાર કરી હોસ્પિટલ લઈ જવાયા હતા.

- text

આ અંગે મહિલાના પતિ પ્રકાશભાઈ ભાંભીએ જણાવ્યું હતું કે, કુંતાસી અને હજનાળી ગામના આ નીચાણવાળા કોઝવે અંગે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી છે. અઢી વર્ષ અગાઉ કુંતાસી ગામના વર્ષાબને અમરશીભાઈ ભાડજાનું અવસાન થતાં મોરબીની હોસ્પિટલથી મૃતદેહને કુંતાસી ગામે લઈ આવવા માટે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ કોઝવે પરથી વધુ પાણી પસાર થવાના કારણે મૃતદેહને પાંચ કલાક સુધી કોઝવેની પાસે જ રાખવામાં આવ્યો હતો. પાણી ઉતરતા પરિવારે ટ્રેક્ટર મારફતે તેમને કુંતાસી ગામે પહોચાડી અંતિમક્રીયા કરી હતી. ત્યારે જો હવે વરસાદી માહોલમાં આવી કોઈ દુર્ઘટના બનશે અથવા તો ઈમરજન્સી સર્જાય તો કોઝવે પરથી પસાર થવું કઠીન છે. જેથી કુંતાસી અને હજનાળી વચ્ચે પુલ બનાવવામાં આવે તેવી અમારી માગ છે.

- text