મચ્છુ-2ના પાણીથી માળિયા (મિ.)માં જળબંબાકાર : નેશનલ હાઇવેને જોડતો રોડ બંધ

- text


તંત્રની ટિમો એલર્ટ મોડ ઉપર સતત ફિલ્ડમાં : માળિયા, ખીરઇ અને હરિપરમાં વધુ અસર : હાલ સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે, સવાર સુધીમાં પાણી ઓસરી જવાની શક્યતા

મોરબી : મચ્છુ-2ના પાણીથી માળિયા મિયાણામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની ટિમો સતત ફિલ્ડમાં છે. ખાસ માળિયા, ખીરઇ અને હરિપરમાં વધુ અસર દેખાઈ રહી છે. હાલ સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. સવાર સુધીમાં પાણી ઓસરી જવાની શક્યતા સેવાઈ રહી છે.

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં માળિયા મિયાણાના મામલતદાર કે.વી.સાનીયાએ જણાવ્યું હતું કે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડાતા અહીંની નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. જેના કારણે નેશનલ હાઇવેને ગામ સાથે જોડતા રોડમાં બ્રિજની ઉપરથી પાણી જતું હોય રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ તો માળિયા, હરિપર અને ખીરઇ આ ત્રણ ગામોમાં તેમજ ફરતે વધુ પાણી ભરાયા છે. સવારની સાપેક્ષમાં સાંજે સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. હવે આવતીકાલે સવાર સુધીમાં પાણી ઓસરી જવાથી રાહત થવાની શકયતા છે.

- text

વધુમાં તેઓના જણાવ્યા અનુસાર હરિપર ગામે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો તેમના મોરબી તેમજ ત્યાં આસપાસના સગા સબંધીનોને ત્યાં ચાલ્યા ગયા છે. ખીરઇ અને ફતેપર ગામેથી પણ આવી જ રીતે સ્થળાંતર થયું છે. જ્યારે માળિયાની નીચાણવાળી 2 સોસાયટીમાંથી લોકોને એક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. કુલ 400થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અંતમાં મામલતદારે જણાવ્યું કે તંત્રની ટિમો એલર્ટ રહી સતત ફિલ્ડમાં છે. અને હાલ સુધી કોઈ જાનહાની સર્જાઈ નથી.

- text