મોરબી જિલ્લામાં સ્થળાંતર માટે 10 ટીમો તૈનાત; રહેવા જમવાની વ્યવ્સ્થા સાથે 30 આશ્રયસ્થાનો તૈયાર

- text


ટ્રાફિક વ્યસ્થાપન તથા લોકોની સલામતી અર્થે પુલ નદી જોવા ન જવા કલેક્ટરનો અનુરોધ

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આ બાબતે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ-2 ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાંકાનેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સવારે 1,18,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો કરતાં 2,67,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું. હાલમાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં પાણી આવી રહ્યું છે અને માળિયા સુધી પહોંચી રહ્યું છે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે. જેથી નિચાણવાળા વિસ્તારો ગઈકાલે રાતથી જ ખાલી કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્થળાંતર માટે ખાસ 10 ટીમોની રચના કરવામાં આવી છે, જે ટીમો દ્વારા ગ્રાઉન્ડ લેવલે જઈ સ્થળાંતર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થળાંતર માટે જિલ્લામાં 30 જેટલા આશ્રયસ્થાનો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા સાથે જમવા અને પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્યની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ્સ તૈનાત રાખવામાં આવી છે.

- text

મોરબીમાં મચ્છુ નદી જોવા માટે લોકો પુલ પર એકત્ર થઈ રહ્યા છે જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉદભવી છે. જેથી ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ લોકોની સુરક્ષા અર્થે નદીના વિસ્તારમાં કે પુલ પર ન જવા મોરબી શહેરવાસીઓને પણ જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

- text