મોરબીમા તહેવારના સપરમા દિવસે જ કાળચક્ર ફરી વળ્યું, ચારના અકાળે મૃત્યુ

- text


મોરબીમાં યુવતીએ નાગડાવાસમાં યુવાને ગળેફાંસો ખાધો, એક યુવાનને વીજ શોક લાગ્યો

મોરબી : મોરબીમાં શીતળા સાતમના સપરમાં દિવસે જ કાળચક્ર ફરી વળતા ચાર લોકોના અકાળે મૃત્યુ નિપજ્યા હતા જેમાં મોરબીમાં યુવતીએ નાગડાવાસમાં યુવાને ગળેફાંસો ખાધો, એક યુવાનને વીજ શોક લાગ્યો હતો જ્યારે અન્ય એક કિસ્સામાં પાડા પુલ નીચેથી મળી આવેલ આધેડે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ચાર કિસ્સા સામે આવ્યા છે જેમાં પ્રથમ બનાવમાં મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને હાલમાં મોરબી રેલવે કોલોની વિસ્તારમાં યશોદા ડેરી પાસે રહેતી ભાવિકાબેન અમૃતભાઈ ખરાડી ઉ.26 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા કિસ્સામાં મોરબીના પાડા પુલ નીચે મણીમંદિર પાસેથી અનુભાઈ સવજીભાઈ મારુને 108 મારફતે સારવાર માટે મોરબી સિવિલમાં દાખલ કરવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ આધેડના કોઈ વાલી વારસ ન હોય પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રીજા કિસ્સામાં મોરબી રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરામાં પોતાના ઘેર ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા સાહિલભાઈ દિલીપભાઇ ચૌહાણ ઉ.20 નામના યુવાનનું મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જ્યારે ચોથા બનાવમાં મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા અમુભાઈ પ્રભાતભાઈ સાતોલા ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text