લીલા કરે હૈ કૃષ્ણ મુરારી, ગિરિવરધારી કુંજ બિહારી.. નટખટ કનૈયા, બંસી બજૈયા, અદ્ભુત હૈ તેરી લીલા યે ન્યારી..

જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવાનો અવસર!

એક મોરપંખ ધારી, પૂરાં બ્રહ્માંડ પર ભારી : શ્રી કૃષ્ણ પૂર્ણ છે અને સર્વસ્વ છે!

મોરબી :

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી,* *ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી
– વિનોદ ગાંધી

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવાનો અવસર આવી ગયો છે. મોરપીંછ અને બંસીધારી પીતાંબરમાં સજ્જ શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્ય પ્રસંગને આજે વધાવી રહ્યાં છીએ. ત્યારે પ્રેમ અને આનંદથી સભર પ્રભુ શ્રી કૃષ્ણના જન્મોત્સવની વેળાએ જન્મદિવસની શુભકામનાઓ ચોક્કસ તેને સાક્ષાત્ મળીને પાઠવવાની ઈચ્છા થાય અને કહેવાનું મન થાય કે..

શ્યામ બની આવો રે, કહાન બની આવો,

નંદ-યશોદાના દુલારા બની આવો,

પ્યારી ગાયોના ગોપાલ તમે રે.. મોહન બની આવો..

– ભાર્ગવ ભૂત


શ્રી કૃષ્ણ વ્રજમાં આવે અને અનેક લીલાઓ રચાય. માખણ ચોરાય, પૂતના વધ થાય, અનરાધાર વરસાદમાં ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ થાય, હોરીમાં અબીલ-ગુલાલની છોળો ઉડે, ગોપીઓના ચીર ચોરાય, ચંદ્ર સરોવરના તીરે રાસ લીલા રચાય અને તેના દર્શન કરવા સ્વયં મહાદેવજી આવે. આવી દિવ્ય લીલાઓ થાય ત્યારે શરારત ન થાય, એવું તો કેમ બને. એટલે જ તો મીરાંબાઈ કહે છે કે..

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વ્હાલા,

કાનુડે ઉડાડ્યા આછાં નીર, ઊડ્યા ફરરરરર રે..


સોશીયલ મીડીયા પર વાંચેલું કે ‘એક મોરપંખ ધારી, પૂરાં બ્રહ્માંડ પર ભારી.’ પરંતુ જ્યાં વ્રજજનોની વાત આવે ત્યાં પ્રભુ કોમળ બની જાય છે. એટલે જો નટખટ કાન્હો મજાક-મસ્તી કરે તો ગોપીઓ રીસાય જાય. કૃષ્ણ અને સખાઓ ચતુર હોય તો સામા પક્ષે રાધાજી અને ગોપીઓ પણ પાછા ન પડે.

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,

આંખ્યું ઉલાળશું તોફાનમાં,

હરિ સંગ નહીં બોલીએ.

– રમેશ પારેખ

બંને પક્ષ મજબુત હોય ત્યાં મીઠી રકઝકની મજા પણ અનેરી હોય છે. બંને તરફ રીસામણાં-મનામણાંનો દોર ચાલે. જેવી શરારત એટલો સમાધાન થતાં સમય લાગે. અને અંતે ફરી પ્રેમભાવ ખીલી ઊઠે. હરીન્દ્ર દવેની એક સરસ પંક્તિ છે.


રસ પીધો સુંદરશ્યામ તારી સંગે રે,

પછી પ્રગટ્યા પૂરણકામ અમારે અંગે રે.

દ્વાપર યુગ હોય કે આધુનિક યુગ કૃષ્ણ, કનૈયા, કાન્હો, ગોપાલ, મોહન, માધવ, કેશવના ચાહકો અનેક છે. ભગવાન શ્રી કૃષ્ણના આધુનિક રૂપને કલ્પવું સહેલું છે, કારણ કે તે પૂર્ણ છે અને સર્વસ્વ છે. ત્યારે ભાગ્યેશ જહાની એક પંક્તિ શ્રી કૃષ્ણના આધુનિક સ્વરૂપને બંધબેસે છે.


એસ.એમ.એસ. કરવાનું બંધ કરો, શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો,
વૃંદાવન-મથુરા તો રોમરોમ જાગ્યા છે, મોરલી મોબાઈલ જેવી રાખો.