ઢવાણા દુર્ઘટના : ટ્રેકટરમાં 25 જેટલા લોકો સવાર હતા, અમુક તો માત્ર નદી પાર કરવા જ તેમાં બેઠા હતા

- text


આ નદી પાર નહિ થઈ શકે તેવું કહીને ડ્રાઇવર તો ટ્રેકટરની નીચે ઉતરી ગયો હતો, પછી તેના ભાઈએ ટ્રેકટર ચલાવ્યું : ડ્રાઇવરે જણાવી સમગ્ર ઘટના 

હળવદ : હળવદના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ કાંઠેથી સામાકાંઠે જવા માટે જ બેઠા હતા.

સમગ્ર ઘટનાને પોતાની આંખે જોનાર ટ્રેકટરના ડ્રાઇવર એવા ઢવાણા ગામના મેહુલભાઈએ જણાવ્યું કે તેઓના ટ્રેક્ટરમાં અંદાજે 25 જેટલા વ્યક્તિઓ હતા. જેમાં મહિલા અને બાળકો પણ હતા. ગામના મહેમાનને લઈને તેઓ ઢવાણા જઈ રહ્યા હતા. આ દરમિયાન અમુક લોકો તો નદીના આ કાંઠેથી બીજા કાંઠે જવા માટે જ ટ્રેક્ટરમાં બેઠા હતા.

- text

વધુમાં મેહુલભાઈએ કહ્યું કે નદીનું પાણી જોખમી લાગતા તેઓ આ નદી પાર નહિ થઈ શકે તેવું જણાવીને ટ્રેકટર નીચે ઉતરી ગયા હતા. પણ ટ્રેક્ટરમાં બેઠેલા બે વ્યક્તિઓએ એવું કહ્યું કે ટ્રેકટર ચાલ્યું જશે. એટલે પછી તેઓના ભાઈએ ટ્રેકટર ચલાવ્યું અને આગળ વધ્યા ત્યાં ટ્રેકટર પલટી મારીને તણાઈ ગયું હતું. આ ઘટના રાત્રીના 8:30 વાગ્યા આસપાસ બની હતી.

અત્રે ઉલ્લખનીય છે સમગ્ર ઘટનાની જાણ થતાં હળવદ મામલતદાર સહિતના અધિકારી અને મોરબીથી ફાયર વિભાગ અને SDRF ની ટીમો ઘટના સ્થળે દોડી જઇ બચાવ કાર્ય હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

- text