હળવદના ઢવાણા ગામે ટ્રેકટર તણાવાની ઘટનામાં 12 કલાક બાદ હજુ પણ 8 લોકો લાપતા

- text


મોરબી ફાયર બ્રિગેડે ટ્રેકટર ચાલક અને એક મહિલાને બચાવી લીધા, અન્ય આઠ લોકો પોતાની જાતે બહાર નીકળ્યા ; એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા શોધખોળ ચાલુ

હળવદ : હળવદ તાલુકામા ભારે વરસાદ વચ્ચે નદીમાં આવેલ ઘોડાપુર વચ્ચે જુના ઢવાણા ગામેથી નદી પાર કરી નવા ઢવાણા ગામ જવા માટે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે 17 જેટલા વ્યક્તિઓ ટ્રેક્ટરમાં સવાર થઇ નદી ઓળંગી રહ્યા હતા એવા સમયે ટ્રેક્ટર પલ્ટી મારી જતા તમામ લોકો પુરમાં તણાઈ ગયા હતા. આ ઘટનાના 12 કલાક બાદ ટ્રેકટર ચાલક અને એક મહિલા સહિત નવેક લોકો બચી ગયા છે જ્યારે બાકીના લોકોને શોધવા હજુ પણ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજથી મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયા બાદ હળવદ તાલુકામા બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ વચ્ચે સાંબેલાધારે વરસાદ વરસતા હળવદ પંથકમાં નદીઓ ગાડીતુર બનીને વહી રહી હતી તેવામાં જુના ઢવાણા ગામેથી નવા ઢવાણા ગામે જવાના રસ્તે પણ નદીમાં ઘોડાપુર આવ્યા હોય લોકો નવા ઢવાણા જવા માટે ઇન્તજારમા હતા તેવા સમયે એક ટ્રેકટર નીકળતા કાંઠે રાહ જોઈને ઉભેલા લોકો પણ ટ્રેક્ટરમાં સવાર થઈ પોતાના ઘેર જવા રવાના થયા હતા અને કુલ 17 જેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર થયા હતા. જો કે, એક તબક્કે ટ્રેકટર ચાલકે ટ્રેકટર પસાર નહિ થાય તેવું કહી ઉતરી ગયા બાદ ટ્રેકટર ચાલકના ભાઈએ ટ્રેકટર હંકારતા નદીમાં ટ્રેકટર પલ્ટી જતા 17 લોકો પુરના પ્રવાહમાં લાપતા બન્યા હતા.

- text

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઢવાણા ગામના સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું પરંતુ પુરનો પ્રવાહ વધુ હોય હળવદ મામલતદાર, મોરબી ફાયરને જાણ કરતા ફાયર ટીમો બનાવ સ્થળે દોડી ગઈ હતી. સાથે જ એક સાથે 17 જેટલા લોકો તણાયા હોય એનડીઆરએફ તેમજ એસડીઆરએફની મદદ માંગવામાં આવતા મોડીરાત્રે અઢી વાગ્યે એસડીઆરએફની ટીમ પહોંચી હતી. જો કે તે પહેલાં મોરબી ફાયર ટીમે ટ્રેકટર ચાલક પાંચાભાઈ અને મનીષાબેન નામના મહિલાને રેસ્ક્યુ કર્યા હતા અને અન્ય આઠેક લોકો પોતાની જાતે પુરના પ્રવાહમાંથી બચીને નીકળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી અને જિલ્લા પોલીસ વડા પણ રાત્રે 12 વાગ્યાના અરસામાં ઢવાણા પહોંચી ગયા હતા. ઘટનાના 12 કલાક બાદ પણ હજુ અનેક લોકો લાપતા હોય બચાવ ટીમો દ્વારા સર્ચ અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.

- text