મોરબીમાં 150 લોકોનું સ્થળાંતર કરાયુ, પાણી નિકાલ માટે ટિમો સતત ફિલ્ડમાં : ચીફ ઓફિસર

- text


ભારે વરસાદ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર જોખમી સ્થળોએ ન જવા માટે અપીલ 

મોરબી : મોરબીમાં ભારે વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે તેઓની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે.

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ડોબરીયાએ જણાવ્યું હતું કે બેઠાપૂલ પાસે ઝૂંપડાઓ બાંધીને જે લોકો રહે છે તેવા 150 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 60 જેટલા લોકોને બસની વ્યવસ્થા કરીને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીના 90 લોકોએ તેમના સગા વ્હાલાને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓને ફુડ પેકેટ સાથે જ રવાના કર્યા છે. મકરાણી વાસનો નીચેનો વિસ્તાર છે ત્યાં લોકોને એલર્ટ કર્યા છે અને તેઓ સ્થળાંતરિત થઈ જાય અથવા પોતાના સગા વ્હાલાને ત્યાં ચાલ્યા જાય તેવી અપીલ કરાઈ છે. તેઓ માટે એક સ્કૂલ ખોલવામાં આવી છે.

વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું કે સો ઓરડી સહિતના વિસ્તારોમાંથી પાણી પાવન પાર્ક સહિતના વિસ્તારમાં આવે છે. ત્યાં તાત્કાલિક જેસીબી મોકલીને રાહતની કામગીરી શરૂ કરી હતી. ગટર દ્વારા પાણીનો નિકાલ થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુ વરસાદ થવાના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમારી ટીમો અલગ-અલગ વિસ્તારોમાં કાર્યરત છે અને કામગીરી કરી રહી છે. ત્રણ ડી વોટરીંગ પંપ, નગરપાલિકાનું એક જેસીબી અને એ સિવાય ચાર થી પાંચ જેસીબી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અંતમાં ચીફ ઓફિસરે જણાવ્યું કે કેટલો વરસાદ પડ્યો છે તે જોવા માટે લોકો બહારના જોખમી સ્થળોએ જવાનું ટાળે. ઉપરાંત પાણી ભરાવાના કારણે વાહનો બંધ થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે.

- text

- text