આનંદો : મોરબીનાં મહાકાય મચ્છુ 2 ડેમમાં પાણીની ધીંગી આવક નોંધાઈ 

- text


મચ્છુ 2 ડેમમાં 24 હજાર ક્યુસેક પાણીની ભારે આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 7 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 2 અને હળવદના બ્રાહ્મણી 1 ડેમમાં પણ નવા નીરની આવક

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. આજે સૌથી વધુ વાંકાનેર અને હળવદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ રાત્રીના 10 વાગ્યા સુધીમાં પડ્યો છે. ત્યારે આ સાથે આનંદની વાત છે કે વાંકાનેરના મચ્છુ 1 ડેમની સાથે મોરબીનાં મહાકાય મચ્છુ 2 ડેમમાં પણ નવા નીરની ભારે આવક નોંધાઇ છે.

- text

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 25 ઓગષ્ટ રાત્રે 10 વાગ્યાની સ્થિતિ મુજબ વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 7415 કયુસેક પાણી આવી રહ્યું છે. જે પાણીની સારી આવક ગણાય. જોકે મચ્છુ 1 ડેમ હજુ માત્ર 18 ટકા જેટલો જ ભરાયેલો છે. વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ ઉપરાંત મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં પણ રાત્રીના 8 વાગ્યા બાદ નવા નીરની આવક શરૂ થઇ છે. અને મચ્છુ 2 ડેમમાં રાત્રીના 10 વાગ્યે 24,524 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 38 ટકા ભરાઈ ગયો છે. જ્યારે રાત્રીના 10 વાગ્યે ટંકારાના ડેમી 2 ડેમમાં પણ 612 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 54 ટકા જેટલો ભરાયો છે. જ્યારે મોરબીનાં મચ્છુ 3 ડેમમાં 337 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 78 ટકા ભરાયો છે. જ્યારે હળવદમાં ભારે વરસાદના કારણે બ્રાહ્મણી ડેમ 1માં 1327 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 30 ટકા જેટલો ભરાયો છે.

- text