હળવદના ઘણાદ નજીક નદીમાં પેસેન્જર ભરેલી રીક્ષા તણાતા મહિલા લાપતા

- text


બુટાવડા ગામે વોકળામા માલધારી તણાયા, બન્ને સ્થળે ફાયર ટીમો રવાના

હળવદ : હળવદ પંથકમાં બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક ગામો સંપર્ક વિહોણા થવાની સાથે હળવદ તાલુકાના ઘણાદ નજીક નદીમાં પેસેન્જર ભરેલી રીક્ષા તણાતા રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે હળવદના મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જ્યારે બીજા બનાવમાં બુટાવડા ગામે પોતાના વાડેથી સાયકલ લઈ ઘેર આવી રહેલા માલધારી તણાઇ જતા બન્ને સ્થળે ફાયર ટીમો રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં સાંજે 6થી રાત્રીના આઠ વાગ્યાના બે કલાકના અરસામાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી જતા નદી નાળા ભરપૂર વહેતા થયા હતા. બીજી તરફ હળવદ તાલુકાના રણમલપુરથી હળવદ તરફ આવી રહેલ રીક્ષા ઘણાદ ગામે નદીમાંથી પસાર થતી હતી ત્યારે પાણીના પ્રવાહમાં રીક્ષા તણાઈ જતા રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે હળવદની ઉમા સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન વજુભાઇ પટેલ અને રીક્ષા પુરના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

- text

આ ઉપરાંત બીજા બનાવમાં હળવદ તાલુકાના બુટાવડા ગામે પોતાના પશુ બાંધવાના વાડેથી સાયકલ લઈ ઘેર આવી રહેલા રમતુભાઈ બેચરભાઈ ભરવાડ નામના માલધારી વોકળાના પ્રવાહમાં સાયકલ સહિત તણાઇ જતા બન્ને સ્થળે હળવદ ફાયર ટીમો રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, એક સાથે પાંચ પાંચ ઈંચ પાણી વરસતા હળવદ શહેરમાં પણ ઠેર ઠેર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા અને લોકોને વાહન લઈ નીકળવું મુશ્કેલ બન્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

- text