ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના ધારાસભ્ય સાથેના ફોટા વિપક્ષે પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા

કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા

ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું લોકો જાણે જ છે હું આવા કોઈ પણ ક્રિમીનલનો વિરોધી છું : મે આ કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજુઆત કરી છે


https://youtube.com/shorts/r6jZgxeJ_vY?si=NK6i2e7bZnhg_Q-E

મોરબી : હળવદ નજીક ગઈકાલે મોરબીનાં બે શખ્સોએ યુવાધન બરબાદ થાય અને નશાને રવાડે ચડે તેવા મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. જેમાં એક આરોપી અહેમદ સુમરા ભાજપનો કાર્યકર હોવાનું અને મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે નિકટના સબંધ ધરાવતો હોવાના આરોપો સાથે વિપક્ષી આગેવાનો દ્વારા આરોપીનાં ધારાસભ્ય સાથેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું છે.

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા મોરબીનાં બે આરોપીમાંથી અહેમદ સુમરા નામના આરોપી ભાજપનો ખેસ પેહરીને મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથેનાં ફોટા હાલ મોરબીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં પ્રથમ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ ફોટા પોસ્ટ કરી ડ્રગ્સ માફિયા સાથે ભાજપના નેતાઓની સાઠગાંઠ હોવાના આરોપો લગાવ્યા છે. જ્યારે મોરબીનાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા પણ ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સાથેના ધારાસભ્યના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ મામલે મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે તેઓ જાહેર જીવનમાં હોય જેથી કોઈ પણ તેમની સાથે ફોટા પડાવતું હોય છે. એનો મતલબ એવો નથી કે દરેક સાથે હું જોડાયેલો હોવ. મારે કોઈ પણ ક્રિમીનલ સાથે કોઈ સંબંધ નથી. લોકો જાણે જ છે હું આવા કોઈ પણ ક્રિમીનલનો વિરોધી છું. અને મે આ કેસમાં ડ્રગ્સ સાથે ઝડયેલા આરોપીઓ સામે કડક કર્યવાહી કરવા અને આ કેસની તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી છે.