- text
શક્તિસિંહ ગોહિલ, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા અને લલિત કગથરા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા
મોરબી : હળવદ નજીક લાખો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ મોરબીના શખ્સ ભાજપ સાથે જોડાયેલ હોવાનું અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ સાથે બેઠો હોય તેવા ફોટો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા બાદ હવે ભાજપ કાર્યકરોએ ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીનું કોંગ્રેસ કનેક્શન શોધી કાઢી શક્તિસિંહ ગોહિલ, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા અને લલિત કગથરા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે.
મોરબી એસઓજી ટીમે ગઈકાલે હળવદના નકલંકધામ નજીકથી બ્રેઝા કારમાં અમદાવાદથી મેફેડ્રોનનો જથ્થો લઈ મોરબી આવતા આરોપી અહેમદ દાઉદભાઇ સુમરા અને કલ્પેશ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત નામના બે શખ્સને 7,96,800ની કિંમતના 79.68 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધા બાદ ભાજપ. કોંગ્રેસ અને આપનું ગરમા-ગરમ રાજકારણ શરૂ થયું છે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આરોપી અહેમદ દાઉદભાઇ સુમરાનું ભાજપ કનેક્શન ખુલ્લું પાડી આરોપી અહેમદ કેસરિયો ખેસ પહેરીને ઉભો હોય તેવા તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે બેઠો હોય તેવા ફોટા વાયરલ કર્યા હતા.
બીજી તરફ ભાજપનાં કાર્યકરોએ આમ આદમી પાર્ટીના નેતાએ ચડાવેલા ફોટાનો સણસણતો જવાબ આપવા કોંગ્રેસના ટોચના નેતાઓ સાથેના આરોપી અહેમદ સુમરાના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે. જેમાં આરોપી અહેમદ શક્તિસિંહ ગોહિલ, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા અને લલિત કગથરા સાથે જોવા મળે છે. સાથે જ આરોપી અહેમદ સુમરા કોંગ્રેસમાંથી મોરબી પાલિકાની ચૂંટણી પણ લડ્યો હોવાના ફોટા વાયરલ કર્યા છે.
દરમિયાન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મેફેડ્રોન સાથે પકડાયેલા અહેમદ સુમરા વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આરોપી કોંગ્રેસ સાથે જોડાયેલ હશે પરંતુ હાલમાં આ આરોપી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલ હોવાનું અને ભાજપના કાર્યક્રમમાં ખેસ પહેરીને ઉભેલ હોવાનું જણાઈ છે જેથી કોંગ્રેસને આરોપી સાથે કોઈ નિસ્બત ન હોવાનું જણાવ્યું હતું.
- text
- text