ગજબના ચોર ! ભેંસ ચોર ગેંગને ઝડપી લેતી પોલીસ 

- text


માળીયા-મિયાણાના બે ચોર રેકી કરતા અને હળવદના ચુપણી ગામના બે શખ્સ ભેંસની ચોરી કરી બારોબાર વેચી મારતા 

મોરબી : મોરબી અને કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિના જેટલા સમયગાળામાં તરખાટ મચાવી એક, બે નહીં પણ 39-39 ભેંસ અને પાડાની ચોરી કરી બારોબાર વેચી મારતી ભેંસચોર ગેંગના ત્રણ સભ્યોને માળિયા મિયાણા પોલીસે પકડી પાડી ખાખરેચી ગામેથી ચોરી કરેલ બે ભેંસ અને એક બોલેરો સાથે ઝડપી લીધા છે, ઘરફોડી કે વાહનચોરી કરતા પણ ચડિયાતી રીતે ભેંસ અને પાડા ચોરતી આ ગેંગ દિવસે રેકી કરી રત્ન પશુ ચોરવાની સાથે સીમમાં ચરતાં પશુઓને પણ સિફત પૂર્વક ચોરી કરતા હોવાનું માળીયા મિયાણા પોલીસની તપાસમાં ખુલ્યું છે.

માળીયા તાલુકાના ખાખરેચી ગામેથી 1.40 લાખની કિંમતની બે ભેંસની ચોરી થવા મામલે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં જ ભેંસચોરીનો ભેદ ઉકેલી નાખી બે ભેંસ અને 6 લાખની કિંમતની બોલેરો ગાડી સાથે માળીયા મિયાણા ખાતે રહેતા આરોપી હબીબ મુસાભાઇ મોવર, તાજમામદ ઇબ્રાહીમભાઇ મોવર તેમજ હળવદ તાલુકાના ચુપણી ગામના રાહુલ અંબારામભાઈ માર્ગી નામના શખ્સને ઝડપી લેતા કચ્છ અને મોરબી જિલ્લામાં થેયલ 39 ભેંસ અને પાડાની ચોરીના બનાવોનો ભેદ ખુલ્યો છે.

માળીયા પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ત્રિપુટીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે પહેલા આરોપી હબીબ મુસાભાઇ મોવર, તાજમામદ ઇબ્રાહીમભાઇ મોવર બાઈક લઈને રેકી કરતા બાદમાં આરોપી રાહુલ અંબારામભાઈ માર્ગી અને આરોપી ગોપાલ ગેલાભાઇ સેફાત્રા રહે.ચુપણી ગામ વાળાઓ બોલેરો લઈને આવી ભેંસની ચોરી કરી બાદમાં બારોબાર ભેંસ વેચી મારતા, જો કે, આરોપી ગોપાલ ગેલાભાઇ સેફાત્રા રહે.ચુપણી ગામ વાળો હજુ પોલીસની ગિરફ્તમાં આવ્યો ન હોય પોલીસે ફરાર જાહેર કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, માળીયા મિયાણા પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા ત્રણેય આરોપીઓએ ખાખરેચી ગામેથી ભેંસની ચોરી કરવાની સાથે માળિયાના અંજિયાસર, માળીયા નદી, કચ્છના લાકડીયા ગામની સીમમાં, વર્ષામેડી, હળવદના ટીકર, ખાખરાળાં અને મોરબીના બગસરા ગામેથી ભેંસ તેમજ પાડા મળી કુલ 39 પશુઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

- text