મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ

- text


ચાલુ વરસાદે પેવર બ્લોકના પીસીસીનું કામ કર્યું હોવાનો આરોપ

મોરબી : મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા મંજૂર કરાયેલા પેવર બ્લોક રોડના વિકાસ કામમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અનિલભાઈ ચાવડાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી છે અને આ અંગે વિગતવાર તપાસ કરીને કામના નાણા રોકવાનો હુકમ કરવા જણાવ્યું છે.

અનિલભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રનગર ગામે વાણીયાવાળા વિસ્તારમાં ઓડીયાના ઘરથી માવજી મોરડીયાના ઘર સુધી 5 લાખના ખર્ચે તેમજ ડાયાભાઈના ઘરથી સાગર ડેરી સુધી 2,50 લાખના કર્ચે પેવર બ્લોકનું કામ ચાલુ કરવાનો હુકમ કરાયો હતો. આ કામ ચોમાસાની ઋતુમાં ચાલુ વરસાદે પેવર બ્લોકના નીચેના ભાગે પીસીસીનું કામ કરવામાં આવ્યું છે. જેથી અતિભારે વરસાદના કારણે પીસીસીનું કામ ધોવાઈ જવા પામ્યું છે. જેથી 13 ઓગસ્ટના રોજ લેખિત પત્ર તાલુકા વિકાસ અધિકારીને રજૂ કર્યો હતો. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત કરીને ધોવાઈ ગયેલ પીસીસી કામ ફરીથી રીપેર કરવા અને ફરીથી પીસીસી કરવા પંચરોજકામ કરવામાં આવ્યું હતું. પરંતુ પીસીસીનું કામ ધોવાઈ ગયું હોવા છતાં પંચાયત દ્વારા તેના પર પેવર બ્લોક લગાવી દેવામાં આવ્યા છે. આ પેવર બ્લોક પણ હલકી ગુણવત્તાના લગાવાયા છે. આમ સરકારના નાણાનો ગેરઉપયોગ કરી કામમાં ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી છે.

- text

મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રી અને અધિક મદદનીશ ઈજનેર, તાલુકા પંચાયત મોરબીની સીધી દેખરેખ હેઠળ સરકારના વિકાસના કામમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને સરકારી નાણા ઉચાપત કરવા કામના નકલી બીલો/નકલી વાઉચરો તેમજ નકલી દાળીયાપત્રકો તૈયાર કરવા ગંભીર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેથી આ અંગે જવાબદાર અને ગેરરીતિ આચરનાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પેવર બ્લોકનું કામ ફરીથી કરાવવામાં આવે અને ફાઈનલ બીલના નાણા ચુકવવા પર રોક લગાવવામાં આવે તેવી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માગ કરાઈ છે.

- text