SC-ST અનામતમાં વર્ગીકરણ બાબતે મોરબીમાં રેલી યોજી કલેક્ટરને આવેદન અપાયું

- text


આ કાયદાથી જાતિના ભાગલા પાડવાનું કામ થતું હોવાનો મોરબી અનુસૂચિત જાતિ સમાજનો મત

મોરબી : સુપ્રીમ કોર્ટ દ્વારા ગત તારીખ 1 ઓગસ્ટના રોજ SC-ST કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણને અનુમતિ આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજે SC-ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ ચુકાદો પરત ખેંચવા ઉગ્ર માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે આજે મોરબીમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેપારીઓને દુકાનો બંધ રાખવાની અપીલ કરીને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આજ રોજ ભારત બંધના એલાનમાં મોરબી અનુસૂચિત સમાજના લોકો પણ જોડાયા હતા. SC-ST સમાજના લોકોએ આજે મોરબીમાં બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાથી નહેરુગેટ ચોક સુધી રેલી યોજી હતી અને વેપારીઓને બજાર બંધ રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જુનો કાયદો જ ચાલુ રાખવા માગ કરી હતી.

આ અંગે અનુસૂચિત જાતિ સમાજના અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, આજનો અમારો કાર્યક્રમ ભારત બંધના એલાનના સમર્થનમાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા SC-ST કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરવામાં આવી છે તે ચુકાદાનો અમે શખ્ત વિરોધ કરીએ છીએ. આ કાયદાથી જાતિના ભાગલા પાડવાનું કામ થઈ રહ્યું છે જેનાથી અમે બધા નારાજ છીએ. તેથી આ નવો કાયદો રદ્દ કરવામાં આવે અને જુનો કાયદો હતો તે ચાલુ રાખવામાં આવે તેવી અમારી માગ છે.

- text

- text