મોરબીમાં કારનો કાચ તોડી રૂ.1 લાખની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ

- text


એલસીબી અને એ ડિવિઝન પોલીસની ટીમને ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા : ચોરી કરનાર રિક્ષાચાલક નીકળ્યો

મોરબી : મોરબીના સાવસર પ્લોટ પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી રૂ.એક લાખ રોકડની ચોરી કરનાર આરોપીને એલસીબી અને એ ડિવિઝન પોલીસે પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂ.1 લાખ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧૬ જુલાઈના રોજ મોરબી સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પીટલ પાસે રોડ ઉપર શૈલેષભાઇ બચુભાઇ સાણંજા (પટેલ) રહે.શોભાકુંજ, અવનીરોડ, અવની ચોકડી પાસે, મોરબી વાળાએ પોતાની બલેનો ગાડી નંબર-જીજે ૩૬ એફ ૨૯૫૪ પાર્ક કરી હતી. તે દરમિયાન કોઇ અજાણયા વ્યકિતએ તેઓની બલેનો ગાડીના આગળની બાજુ સાઇડના દરવાજાનો કાચ તોડી ગાડીમાં રહેલ થેલામાંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ હતો.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. અને મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. ઉપરાંત હયુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી હકિકત મળેલ કે, સી.એન.જી.રીક્ષા નંબર-GJ-01-GT-0991 ના ચાલકે આ બનાવને અંજામ આપ્યો હતો.

- text

જેને પગલે એલસીબીની ટિમ મોરબી ધરમપુર રોડ, યુનીક સ્કુલ પાસે હતી. તે દરમિયાન સી.એન.જી.રીક્ષાના ચાલક કેતનભાઇ દાતારામ ચૌહાણ ઉ.વ.૩૧ રહે.હાલ.આઇ.ટી.આઇ.ની પાછળ, મહેંદ્રનગર મોરબી મુળ રહે.અમદાવાદવાળાને અટકાવી પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. તેની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- મળી આવતા રીક્ષા સહિત કુલ રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં એમ.પી.પંડયા-ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી, એચ.એ.જાડેજા- પોલીસ ઇન્સપેકટર મોરબી સીટી એ ડીવી પો.સ્ટે., PSI એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, એ.વી.પાતળીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના એ.એસ.આઇ. રાજદિપસિંહ રાણા, હેડ કોન્સ.ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પો.કોન્સ.સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા જોડાયેલ હતા.

- text