મોરબી જિલ્લાને ટુરિઝમ પોલિસીમાં સમાવવા માટે ધારાસભ્ય વરમોરાની મુખ્યમંત્રીને રજુઆત

- text


જિલ્લાના પાંચેય તાલુકામાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે, અહીં દેશ-વિદેશથી ધંધાર્થે આવતા લોકો તેનાથી રૂબરૂ થાય તેવો પ્રયાસ જરૂરી

મોરબી : ગુજરાત ટુરિઝમ પોલીસી ૨૦૨૧-૨૫માં મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય, હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ધરાવતા મોરબી જિલ્લાને ટુરિઝમ પોલિસીમાં સમાવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા જણાવાયુ છે કે સૌરાષ્ટ્રનો નવરચિત મોરબી જિલ્લો તા ૧૫/૦૮/૨૦૧૩ નાં રોજ રાજકોટ જિલ્લામાંથી અલગ થઇને અસ્તિત્વમાં આવેલ હતો. મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ સહિત પાંચ તાલુકા ધરાવે છે. મોરબી જિલ્લો સમગ્ર વિશ્વમાં તેમનાં સીરામીક ટાઇલ્સ, મીઠા અને કવાર્ટઝ ઘડીયાળનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તેવી જ રીતે જિલ્લામાં આવેલ સાંસ્કૃતિક ધરોહર સમાન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પણ ગૌરવ સમાન છે.

જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે આ શહેરનો ઇતિહાસ જેટલો ગૌરવવંતો છે તેટલો જ આ શહેરનો વર્તમાનકાળ પ્રગતિની સાક્ષી પુરે છે. આશરે ત્રણસો વર્ષ પહેલા સ્થપાયેલ આ શહેરની કલાત્મક કોતરણી સભર ઇમારતો તથા ઔધોગિક ક્રાંતિને પગલે રેલ્વે અને માર્ગ વ્યવહારો માટે સ્થપાયેલા પુલો આ શહેરનાં તત્કાલીન પ્રજાવસ્તલ રાજવીની દીર્ધદ્રષ્ટિ છતી કરે છે. મોરબી શહેર અને જિલ્લો વારંવાર કુદરતનો ભોગ પણ બનતું આવ્યુ છે જેમ કે, વાવાઝોડુ, દુષ્કાળ, મચ્છુ-૨ જળ હોનારત હોય કે ૨૦૦૧ નો ભુકંપ હોય, પરંતુ આ જિલ્લાએ આફતને પણ અવસરમાં પલટાવી નાંખીને વિકાસ તરફ નિરંતર આગળ ધપવાની પ્રવૃતિથી ધમધમી રહ્યુ છે.

મોરબી શહેરને તેમનાં રાજવીઓએ આપેલ ઐતિહાસિક ઇમારતો જોવો એક લહાવો સમાન છે. જેમાં દરબારગઢ, મણીમંદીર, ગ્રીન ચોક, નહેરૂ ગેઇટ, ન્યુ પેલેસ ખરેખર જોવાલાયક છે. ઇ.સ. ૧૯૩૫ માં મણિમંદિર બનાવવામાં આવ્યુ છે. સુંદર કલાત્મક આર્કિટેકચરલ નમૂનેદાર મણિમંદિરનું પ્રેમની યાદમાં નિર્માણ થયુ હતું. મોરબી નજીક રફાળેશ્વર મહાદેવજીનું મંદિર પુરાણુ છે. આ મંદિર મોરબીનાં મહારાજા લખધીરસિંહજીએ ૧૯૪૬માં બંધાવ્યુ હતું. અહી પિતૃ તપર્ણની વિધિ કરવામાં આવે છે. મચ્છુ-૨ ડેમ પાંચ કીલોમીટર દૂર છે તેમજ મોરબીમાં લખધીરસિંહજી એન્જીનિયરીંગ કોલેજ વર્ષોથી કાર્યરત છે. તેમજ અન્ય સ્થળોમાં કુબેરનાથ મંદીર અને તેમા આવેલ ઐતિહાસીક વાવ, ત્રિલોકધામ મહાદેવ મંદિર, ત્રિમંદિર આવેલ છે.

મચ્છુ નદી અને નાની-નાની ટેકરીઓ વચ્ચે વાંકાનેર શહેર વસેલુ છે. આ નગરનો વિશાળ રણજીત વિલાસ રાજમહેલ વાંકાનેરની શોભામાં અનેરો ઉમેરો કરે છે. ઇ.સ. ૧૯૦૦માં અમરસિંહજી ધ્વારા શરૂ કરવામાં આવેલ પેલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું તે ટેકરી પર આવેલુ છે. પેલેસ પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેરનો નજારો જોવા મળે છે. રણજીત વિલાસ પેલેસનું નામ જામનગરનાં શાસક જામ રણજીતસિંહજી પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલ છે. વાંકાનેરની આજુબાજુ જોવાલાયક સ્થળોમાં ટેકરી ઉપર ગાયત્રી માતાનું મંદીર આવેલ છે. જડેશ્વર મંદીર ડુંગર ઉપર ૧૯મી સદીની શરૂઆતમાં બનેલા આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. દર શ્રાવણ માસે અહી ભકતજનોનો મેળો જામે છે. વડોદરાનાં વિઠોબા દિવાને આ મંદિર બનાવ્યુ હતું. અહી રહેવા માટે ધર્મશાળા તેમજ અન્નક્ષેત્ર પણ છે વાંકાનેર નજીકનું માટેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ખોડિયાર માતાનું મંદિર જેના દર્શનાર્થે અનેક ભાવિકો આવે છે. મંદિરે અન્નક્ષેત્ર, ગૌશાળા ઉપરાંત ધર્મશાળાની સુવિધા છે.

- text

મોરબીથી ૨૦ કીલોમીટરનાં અંતરે આવેલું ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. જે આજે દેશભરમાં પથરાયેલી છે. વૈદિક ધર્મનું અહીં અભ્યાસ કેન્દ્ર છે. સંસ્કૃત શાળા, લાઇબ્રેરી અને વૈદિક વિધિ માટેનાં ગ્રંથો અહીં ઉપલબધ્ધ છે. અહીં મહર્ષિ દયાનંદ આંતરરાષ્ટ્રિય ઉપદેશક મહાવિધાલય ચાલે છે. સંસ્થા ધ્વારા ગૌશાળા, આર્યસાહિત્ય પ્રચાર કેન્દ્ર વગેરે પણ છે.

વાંકાનેર તાલુકામાં જ રામપરા અભ્યારણ આવેલ છે. સિંધાવદર ગામ નજીક રામપરા અભ્યારણ તરીકે જાહેર કરેલ જંગલ ખાતા હસ્તકનો ૧૫૦૧.૦૨ હેકટર વાડી વિસ્તાર આવેલ છે. જેમાં તાજેતરમાં ગીરનાં સિંહોની વસ્તી કાયમ રહે તે માટે લાયન જીન પુલ બ્રિડીંગ સેન્ટર શરૂ કરેલ છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર એશિયા ખંડમાં સૌપ્રથમવાર આ જીન પુલ બ્રિડીંગ સેન્ટરમાં એક સાથે ત્રણ સિંહ બાળનો જન્મ થયો હતો. ૨૬૬ પ્રકારની વનસ્પતિઓ અને વૃક્ષોથી આચ્છાદિત અને ૧૨૪ થી વધુ જાતનાં પક્ષીઓ, સરિસૃપો અને વન્ય પ્રાણીઓ તેમજ ૧૦ થી વધુ જાતનાં કરોળીયા જેવી વન્ય સંપદા અને વન્યસૃષ્ટિ થી ભરપૂર એવા આ રામપરા અભ્યારણની શોભા ચોમાસામાં તેની ચરમસીમાએ હોય છે. વાંકાનેર શહેરમાં અને તેની આજુ બાજુમાં શાહબાવાની દરગાહ, નાગા બાવાજીની જગ્યા, રધુનાથજીનું મંદિર, નકલંક મંદિર કેરાળા, હોલ માતાજીની જગ્યા, સ્વાામિનારાયણ મંદિર વગેરે સ્થળો આવેલા છે

મોરબી જિલ્લાનાં માળીયા તાલુકામાં જિલ્લાનું એક માત્ર નવલખી બંદર આવેલ છે. તેમની બાજુમાં આવેલ વવાણિયા ગામ શ્રીમદ રાજચંદ્રજીનું જન્મ સ્થાન આવેલ છે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીને પોતાનાં આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. વવાણીયા ખાતે રામબાઇ માતાજીનું મંદિર પણ આવેલ છે.

મોરબી જિલ્લાનો હળવદ તાલુકો નવા જિલ્લાઓની રચના થઇ તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો હતો. ઘણા વરસો સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચુકેલું હળવદ શહેર તેના ફરતા કિલ્લા અને ગઢ માટે જાણીતુ છે. આ ગઢને છ-છ દરવાજાઓ આવેલા છે. હળવદ શહેર મધ્યે આવેલુ સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ શહેરની શોભામાં અભિવૃધિ કરે છે. તેમજ હળવદનાં દાંડીયામહેલ સુંદર કાષ્ટકામ માટે પ્રખ્યાત છે. હળવદ એટલે પાળિયાઓનું નગર આ નગરમાં વિરાંગનાઓ અને વિરોકતી ગાથાનાં સ્મારકો, ખાંભીઓ, પાળીયાઓ લગભગ ૪૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં અંદાજે ૩૫૦ થી પણ વધારે પાળીયાઓ મોજૂદ છે. હળવદ તાલુકા ખાતે ઘુડખર અભ્યારણ પણ આવેલ છે અને સુંદરીભવાની માતાજીનું મંદીર પણ આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ પોલીસી ૨૦૨૧-૨૫ પ્રસિધ્ધ કરેલ છે. જેમાં મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી. મોરબી જિલ્લો ખરા અર્થમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોનો સાંસ્કૃતિક ધરોહર સમાન ગૌરવવંતો વારસો ધરાવે છે. દેશના તેમજ વિદેશના સહેલાણીઓ મોરબી જિલ્લા ખાતે આવતા હોય છે. સાથેસાથે મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટીએ પણ ખૂબ જ આગળ નીકળી ગયો હોય, દેશ વિદેશમાંથી લોકો ઔદ્યોગિકરણ અર્થે અવાર-નવાર મોરબી જિલ્લામાં આવતા હોય છે. તેમજ રોજગારી મેળવવા આવતા લોકોની પણ સતત અવરજવર રહેતી હોય છે. આથી મોરબી જિલ્લો પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ હોય, ગુજરાત ટુરિઝમ પોલીસી ૨૦૨૧-૨૫માં મોરબી જિલ્લાનો સમાવેશ કરાવવામાં આવે.

- text