કારગિલ યુદ્ધને ૨૫ વર્ષ પૂર્ણ : સૈન્યના ૫૨૬ બહાદુર જવાનોએ દેશની રક્ષા કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું

કારગિલ વિજય પછી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો

મોરબી : ૨૬ જુલાઇ, ૧૯૯૯ ના રોજ ભારતીય સેનાએ પોતાનું પરમ સાહસ દર્શાવી દુશ્મનને યુદ્ધ મોરચે પાછળ ધકેલી દુશ્મનના અતિક્રમણને અટકાવ્યું હતું અને કારગીલના સર્વોચ્ચ શિખર પર તેની નિર્ણાયક જીતનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ભવ્ય જીત ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, દેશભક્તિ અને દ્રઢ નિશ્ચયની સાક્ષી પુરે છે, જેમણે ખુબ મુશ્કેલ પ્રદેશ અને અત્યંત ખરાબ હવામાનનો સામનો કરીને કારગિલ યુદ્ધમાં દેશને વિજય અપાવ્યો હતો.

કારગિલ યુદ્ધની જીત ભારતીય ઈતિહાસના પૃષ્ઠો પર એક સીમાચિહ્નરૂપ છે અને તે દરેક માટે એક ઉદાહરણ છે કે આપણા દેશનો દરેક સૈનિક કોઈપણ કિંમતે તેના દેશનું સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરે છે અને તેનું જતન કરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન આપણા સૈન્યના ૫૨૬ બહાદુર જવાનોએ દેશના ગૌરવ અને સન્માનની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. આ વર્ષે કારગિલ યુદ્ધને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.


કારગિલ વિજય દિવસ ઈતિહાસ

મે-જુલાઈ 1999 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. 5,000 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં ઘુષણખોરી કરી ત્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. તત્કાલીન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વગર નિયંત્રણ રેખા LOC પર ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રણનૈતિક ક્ષેત્રો પર કબ્જો કરી લીધો હતો. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાસ્તવિક સીમા તરીકે કાર્યરત છે.

આ યુદ્ધને કારણે ભારતીય સૈનિકો આક્રોશથી ભરાઈ ગયા હતા. પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી અને શિમલા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ જળવાય તે માટે વર્ષ 1972માં બંને દેશોએ શિમલા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીનગરથી લેહને જોડતા મહત્ત્વપૂર્ણ રાજમાર્ગ પર કબ્જો મેળવવા માટે પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી. જેથી, ભારતની સુરક્ષા માટે અને લદ્દાખ સુધી પહોંચવાના માર્ગ પર મહત્ત્વપૂર્ણ જોખમ ઊભું થયું હતું.

ભારત સરકારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા અને ઘુસણખોરી કરેલ વિસ્તાર પરત મેળવવા માટે 26 મે, 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ભારતીય વાયુસેનાના સહયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે પડકારજનક વિસ્તારમાં અને ખરાબ વાતાવરણમાં પણ બહાદુરીથી યુદ્ધ લડ્યું હતું અને જીત મેળવી હતી.