હળવદનો યુવાન રહસ્યમય રીતે ગુમ, મોટાભાઈએ મોરબીના શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી

- text


જેતપુરમા અગાઉ બાળકની હત્યાના આરોપી એવા શખ્સે યુવાનને ફસાવ્યાનો સનસનીખેજ આરોપ

મોરબી : હળવદના વતની યુવાનને મોરબીના નામચીન શખ્સે ખોટા સોદાખત બનાવવાની સાથે હનીટ્રેપમા ફસાવી રૂપિયા પડાવી લઈ અપહરણ કરી ગુમ કરી દેતા સરકારી શાળામાં ફરજ બજાવતા મોટાભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકના આ નામચીન શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, પોલીસ ફરિયાદમાં યુવાનનું અપહરણ કરનાર શખ્સ બાળકની હત્યાનો આરોપી હોવાનું પણ જણાવ્યું છે.

આ ચોંકાવનારા બનાવની વિગત જોઈએ તો હળવદના સરા રોડ ઉપર રહેતા શિક્ષક શૈલેષભાઇ રમેશભાઈ કૈલાએ પોતાના નાનાભાઈ જીતેન્દ્રભાઈ કૈલા ગત તા.26 જુનથી લાપતા હોવાનું અને આરોપી જીતેન્દ્ર આયદાનભાઈ ગજિયા રહે.વાવડી રોડ મોરબી વાળાની ઓફિસે ગયા બાદ લાપતા બન્યાનું જણાવી પોલીસ સમક્ષ સિલસીલાબંધ વિગતો આપી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જીતેન્દ્ર ગજિયા અને જીતેન્દ્ર કૈલા મિત્રો હોય અગાઉ જીતેન્દ્ર કૈલાએ મિત્રતાને દાવે જીતેન્દ્ર ગજિયાને ધિરાણ ભરવા આઠ લાખ અને ખેતીની જમીન લેવા રૂપિયા 10 લાખ ઉછીના આપ્યા હતા અને બાદમાં જીતેન્દ્ર કૈલાની પત્નીને વીડિયો કોલ કરી પૈસા પરત આપી દીધાનું જણાવ્યું હતું.

- text

વધુમાં શિક્ષક શૈલેષભાઇ કૈલાએ તેમના ભાઈ ગુમ થવા મામલે અગાઉ હળવદ પોલીસ મથકમાં અરજી કરી હતી પરંતુ હળવદ પોલીસની તપાસમાં જીતેન્દ્ર કૈલા આરોપી જીતેન્દ્ર ગજિયાની વાવડી રોડની ઓફિસથી ગુમ થયાનું સામે આવતા આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ બનાવમાં નિવેદન માટે પોલીસ મથકે બોલવાવમાં આવતા જીતેન્દ્ર ગજિયાના મોબાઇલમાંથી રવાપરની જમીનનું બોગસ સોદાખત મળી આવ્યા બાદ જીતેન્દ્ર ગજિયા પોતાનો મોબાઈલ મૂકી પરત આવ્યો નથી. સાથે જ છેલ્લે જીતેન્દ્ર કૈલાની હાજરી જીતેન્દ્ર ગજિયાની ઓફિસે જોવા મળી હતી અને જીતેન્દ્ર કૈલા ગાયબ થયા બાદ કોઈ અન્ય વ્યક્તિને જીતેન્દ્ર કૈલાના કપડાં તેમજ હેલ્મેટ પહેરીને જતા હોય તેવા સીસીટીવી પણ પોલીસને હાથ લાગ્યા છે.

બીજી તરફ જીતેન્દ્ર કૈલાના ફોનમાંથી પોતે આઇપીએલમાં 95 લાખ હારી ગયાનો મેસેજ પણ તેણીના પત્નીને કરવાની સાથે આરોપી જીતેન્દ્ર ગજિયાએ જીતેન્દ્ર કૈલાની પત્નીને ધ્રુવી નામની યુવતી સાથે જીતેન્દ્ર કૈલાને અફેર હોવાના વીડિયો તેની પાસે હોવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ આરોપી જીતેન્દ્ર ગજિયા ક્રિમિનલ હોવાનું અને જેતપુરમાં બાળકની હત્યામાં સંડોવાયેલ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવતા રહસ્યોના આટાપાટા સર્જતી આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

- text