મોરબી જિલ્લામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વકર્યો

- text


શહેર જિલ્લામાં ચિકનગુનિયાના 10 અને ડેન્ગ્યુના 18 કેસ : ખાનગી હોસ્પિટલોમાં પણ અનેક કેસ

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં મેલરિયા કાબુમાં આવ્યો છે પરંતુ લોકોને બેવડા વાળી દેતા ચિકનગુનિયાના કેસમાં તેમજ ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે, જો કે, ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગ માત્ર સરકારી હોસ્પિટલના આંકડા જ દર્શાવતું હોય સાચી હકીકત બહાર આવતી નથી.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં 1 જાન્યુઆરીથી 20 જુલાઈ સુધીમાં શહેર અને જિલ્લામાંથી કુલ 1,53,906 લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવતા સાદો મેલેરિયા – 19 અને ઝેરી મેલેરિયા – 02 મળી મેલરિયા કુલ 21 કેસ સામે આવ્યા હતા. જે ગત વર્ષે આ સમયગાળામાં 39 કેસ હતા જેથી ચાલુ વર્ષ 2024માં મેલરિયા કેસમાં ઘટાડો થયો છે. એ જ રીતે ડેન્ગ્યુ અંગે કુલ 958 સેમ્પલ લેવામાં આવતા 18 કેસ પોઝિટિવ આવ્યા હતા જયારે ચિકન ગુનિયા માટે 51 સેમ્પલ લેવામાં આવતા 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

ગત વર્ષના આંકડા જોવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2023માં 1 જાન્યુઆરીથી 20 જુલાઈ સુધીમાં 1,64,332 બ્લડ સેમ્પલ કલેકશન કરવામાં આવ્યું હતું જેમાંથી સાદો મેલેરિયાના 37 અને ઝેરી મેલેરિયાના 02 કેસ મળી કુલ 39 કેસ સામે આવ્યા હતા, જયારે ગત વર્ષે 475 ડેન્ગ્યુ અંગેના સેમ્પલ લેવામાં આવતા 14 દર્દીઓ પોઝેટીવ આવ્યા હતા ઉપરાંત ચિકનગુનિયાના 8 સેમ્પલ લેવામાં આવતા 2 કેસ પોઝિટિવ આવ્યા હતા, આમ ચાલુ વર્ષે મેલરિયા કંટ્રોલમાં રહેવાની સાથે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હોવાનું ફલિત થઇ રહ્યું છે.


મેલરિયા નાથવામાં આરોગ્ય વિભાગને સફળતા

મોરબી જિલ્લામાં મેલરિયા રોગચાળો નાથવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી છે. સમગ્ર જિલ્લામાં ફોગીંગ, એન્ટી લારવા કામગીરીની સાથે 945 જેટલા જળાશયોમાં ગપી, ગમ્બુશીયા માછલી મુકવાની કામગીરી કરવામાં આવી હતી સાથે જ સમયાંતરે જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો હોવાથી સારા પરિણામ મળ્યા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે.

- text


- text