ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના છે દરિયાકાંઠે આવેલા ચેરના જંગલો

ગુજરાતમાં દરિયાકાંઠાની રક્ષા કરતા ચેરના વૃક્ષ અને તેની ઝાડીઓનું સંરક્ષણ અને સંવર્ધન આવશ્યક

૨૬ જુલાઈ – આજે ચેરના જંગલોના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

મોરબી : અંગ્રેજીમાં મેન્ગ્રોવ અને ગુજરાતીમાં ચેર તરીકે ઓળખાતી વનસ્પતિએ દરિયાકાંઠાના ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગતી એક માત્ર વૃક્ષ પ્રજાતિ છે. મધ્ય ગુજરાતના કે ગીર જેવા જંગલોમાં સાગ, મહુડો, બહેડો, કલમ જેવા ઇમારતી કે બળતણ ઉપયોગી, ગૌણ વન પેદાશો આપતાં અનેક પ્રકારના વૃક્ષો ઊગે છે. જ્યારે દરિયા કાંઠાની મુખ્યત્વે છાજલી વાળી, ખારા પાણી અને દલ દલ ધરાવતી જમીનમાં એક માત્ર મેંગ્રૌવ એટલે કે ચેર નામની વનસ્પતિ પ્રજાતિ ઉછરી શકે છે.

ગુજરાત ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવે છે અને આ ચેરના જંગલો દરિયા કાંઠાના રક્ષણમાં ઢાલ કે કવચનું કામ કરે છે. તે દરિયાઈ જીવ સૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ માટે ઘોડિયાઘરનું કામ કરે છે. દરિયાના તોફાની મોજાથી થતું કાંઠાનું ધોવાણ અટકાવે છે. સુનામી કે દરિયાઈ આફતો સામે રક્ષણ દીવાલની ગરજ સારે છે.

આથી, દરિયા કાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા, તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમુલ્યતા સમજાવવા દર વર્ષે ૨૬ મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ ધી મેન્ગ્રૌવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો દ્વારા યુનેસ્કોના માધ્યમથી ૨૬ મી જુલાઇના રોજ તેની ઉજવણી વર્ષ ૨૦૧૫ થી કરવામાં આવી રહી છે.

ચેરના જંગલો દેખાવમાં ભવ્ય હોય છે અને દરિયા કાંઠાને લીલી આભા આપે છે. વિશ્વના કુલ જંગલોના માત્ર ૦.૪ ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે. વન વિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશન જેવી સંસ્થાઓએ દરિયા કાંઠાની જમીનોમાં ચેરના ઉછેરના પ્રોજેક્ટ હાથ પર લીધા છે. ભારત સરકારના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દર બે વર્ષે ચેરના જંગલોના ઉછેરમાં મળેલી સફળતાનું આકલન કરવામાં આવે છે.,અને તેમાં ગુજરાતમાં સારો વિકાસ થયો છે એવી નોંધ લેવાઈ છે.

ચેરના જંગલો અને તેને આધારિત ઇકો સિસ્ટમ અદભૂત,ભવ્ય,વિશેષ અને થોડા નુકશાનથી જોખમમાં મુકાય તેવી નાજુક છે. ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત આ ચેર જંગલોની સારી એવી સંપદા ધરાવે છે. ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે. દરિયા કાંઠા માટે આ વનસ્પતિ સુરક્ષા કવચનું કામ કરે છે. ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના આ દરિયાઈ જંગલો છે જેની સાચવણી ખૂબ જરૂરી છે.