મોરબીના લાતી પ્લોટની દુર્દશા બાબતે આમ આદમી પાર્ટીનું ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન

- text


વેપારીઓ અને આમ આદમી પાર્ટીએ પાલિકાને અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું

મોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખી ઢોલ નગારા વગાડીને લાતી પ્લોટથી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકા જાગો… લાતી પ્લોટની દુર્દશા દૂર કરોના નારા લગાવ્યા હતા. વેપારીઓ અને આપના નેતાઓએ નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરને મળીને એક વખત લાતી પ્લોટની મુલાકાત લેવા જણાવ્યું હતું અને જો પાલિકા પાસે ગ્રાન્ટ ન હોય તો વેપારીઓ પૈસા આપે પરંતુ ગટરના પાણીની સમસ્યા દૂર કરો તેમ જણાવ્યું હતું. જેથી ઈન્ચાર્જ ચીફ ઓફિસરે એક અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણ આવી જશે તેમ આશ્વાસન આપ્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય છે અને ઢીંચણ સુધીના પાણી ભરાયેલા રહે છે. જેથી લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વેપારીઓએ આ સમસ્યા અંગે અનેક વખત પાલિકામાં અરજીઓ કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે નગરપાલિકાની ઉંઘ ઉડાડવા માટે આજે ઢોલ વગાડીને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જો નવી ગટર લાઈનનું આયોજન કરવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે તેમ છે તેમ જણાવાયું હતું.

લાતી પ્લોટમાં દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, 1997થી લાતી પ્લોટમાં મારી દુકાન છે અને 1997થી હું આ પાણી ભરાઈ રહેવાની સમસ્યા જોઉં છું. પાણી ભરાતા હોવાથી અમારા વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતો પણ સર્જાય છે. બજારમાં પાણી ભરાય રહેતા હોવાથી ગ્રાહકો પણ આવતા નથી. અન્ય વિમલભાઈ નામના વેપારીએ જણાવ્યું હતું કે, હું લાતી પ્લોટમાં 23 વર્ષથી દુકાન ધરાવું છું અને 23 વર્ષથી આ જ હાલત છે. દિવસે ને દિવસે હાલત બગડતી જાય છે. 17 કરોડની ગ્રાન્ટ પાસ થઈ છતાં કોઈ સુવિધા મળી નથી. પાંચ નંબરની શેરીમાં રોડ બનાવ્યો છે છતાંય ત્રણ મહિનાથી ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે. આ એરિયો એ ગ્રેડનો ગણાય છે પરંતુ સુવિધા નામે મીંડું હોવાથી આ એરિયો એ ગ્રેડમાં ગણવો કે સી ગ્રેડમાં ગણવો તે પ્રશ્ન છે. અન્ય વેપારીએ જણાવ્યું હતુ કે, લાતી પ્લોટમાં ગંદકી અને કચરાના કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે છતાં પણ નગરપાલિકા દ્વારા ડીડીટી છાંટવામાં નથી આવતી.

વર્ષ 2019માં વેપારીઓએ સાફ સફાઈ કરવા માટે કર્મચારીઓ ન આવતા હોવાની અરજી પાલિકામાં આપી હતી. તેનું પણ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. તેથી આમ આદમી પાર્ટીએ પાલિકાને અલ્ટીમેટમ આપ્યું હતું કે ગટરના પાણી અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અઠવાડિયામાં કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી વેપારીઓ સાથે મળીને મુખ્ય રસ્તાઓ બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરશે અને જનતા અને વેપારીઓને વેરો ન ભરવા અપીલ કરશે. સાથે જ જ્યાં સુધી ચીફ ઓફિસર આવીને બાહેંધરી નહીં આપે ત્યાં સુધી પાલિકા કચેરીએથી વેપારીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં જાય તેમ જણાવ્યું હતું.

આ અંગે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીના નિકાલનો પ્રશ્ન છે. તે અંગે 2022 માં એક એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. જો કે જે તે કારણોસર એજન્સીએ કામ અધુરું છોડી દીધું હતું. તાજેતરમાં જ આ કામની ફરીથી મંજૂરી મેળવી લેવામાં આવી છે અને તે આ કામ પૂરું કરવા જૂની એજન્સીને જણાવવા કહ્યું છે અને જો જૂને એજન્સી કામ કરવા તૈયાર નહીં હોય તો ફરીથી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી નવી ગટર લાઈન નખાઈ ગયા બાદ નવા રોડનું પણ કામ કરવામાં આવશે અને ગંદકી દૂર કરવા પણ સુચના આપી દેવામાં આવી છે. સાથે જ ડીડીટીનો છંટકાવ પણ કરી દેવામાં આવશે.

- text

- text