લાંચિયા તલાટીને 4 વર્ષની કેદની સજા ફટકારતી મોરબી કોર્ટ 

- text


વર્ષ 2011માં ટાઇટલ ક્લીયર હક્કપત્રક અને ખેડૂતના દાખલા માટે લાંચ માંગી હતી 

મોરબી : મોરબીના અરજદાર પાસેથી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર અને ટાઇટલ ક્લીયર હક્કપત્રક જોઈતું હોય તો 50 હજાર આપવા પડશે નહિતર તમારા બન્ને દસ્તાવેજમાં તકલીફ પડી જશે કહી વર્ષ 2011માં લાંચ માંગનાર તલાટી કમ મંત્રીને મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટે 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

- text

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2011માં મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતીલાલ વલ્લભદાસ રાવલ નામના અરજદારની નવા સાદુળકા ગામે આવેલ જમીન વેચાણ કરવા માટે હક્કપત્રક ટાઇટલ ક્લીયર નોંધ આપવા તેમજ હળવદ ખાતે જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર લેવા જતા સાદુળકા ગામના તલાટી કમ મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાએ પોતાને હોન્ડા લેવું હોવાનું કહી રૂપિયા 50 હજારની લાંચ માંગતા અરજદાર જયંતિલાલે એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી આરોપી પીતાંબરભાઈને લાંચના છટકામાં ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે 7 મૌખિક, 42 દસ્તાવેજી પુરાવા ઉપરાંત સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી તલાટી કમ મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાને ચાર વર્ષની કેદ અને રુપિયા 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

- text