મોરબી જિલ્લામાં ગત વર્ષે પ્રાકૃતિક કૃષિની 62 હજારથી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ: 2525 તાલીમ શિબિર યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને જિલ્લાના ખેડૂતો પ્રકૃતિ સંવર્ધન સાથેની આ ખેતી પદ્ધતિમાં જોડાય તે માટે ગત વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં 62,935 ખેડૂતોને કુલ 2525 ક્લસ્ટર બેઝ તાલીમ સેશન ગોઠવી મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

પ્રકૃતિના સંવર્ધન તેમજ ભવિષ્યની તાતી જરૂરિયાતને ધ્યાન રાખી સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અથવા પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગે છે તેમને સરકારશ્રી દ્વારા પૂરતું માર્ગદર્શન અને જરૂરી સહયોગ આપવામાં આવે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં સરકાર દ્વારા ક્લસ્ટર આધારિત તાલીમનો અભિગમ બનાવવામાં આવ્યો છે. જે તાલીમમાં ખેડૂતોને જમીન અને પાકના પ્રકાર, પાણીની સ્થિતિ અને આબોહવા જેવા પરિબળોના આધારે નાના ક્લસ્ટર્સ અથવા જૂથોમાં વિભાજિત કરી તાલીમ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં આપેલી તલીમની વિગતવાર વાત કરીએ, તો વાંકાનેર તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં 365 તેમજ રવિ પાકની સિઝનમાં 258 તાલીમમાં 13,893 ખેડુતો, મોરબી તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં 437 તેમજ રવિ પાકની સિઝનમાં 338 તાલીમમાં 21,278 ખેડૂતો, માળિયા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં 190 તેમજ રવિ પાકની સિઝનમાં 157 તાલીમમાં 8,855 ખેડૂતો, ટંકારા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં 248 તેમજ રવિ પાકની સિઝનમાં 167 તાલીમમાં 9,936 ખેડૂતો અને હળવદ તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં 206 તેમજ રવિ પાકની સિઝનમાં 159 તાલીમમાં 21,278 ખેડૂતો મળી જિલ્લામાં ખરીફ પાકની સિઝનમાં 1446 તાલીમમાં 34,305 તેમજ રવિ પાકની સિઝનમાં 1079 તાલીમમાં 28,630 ખેડૂતો માટે તાલીમ સેશન ગોઠવી 62,935 ખેડુતોને તાલીમ આપવામાં આવી છે.

પ્રાકૃતિક કૃષિમાં ક્લસ્ટર બેઝ તાલીમ અભિગમમાં ખેડૂતો તેમની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ મેળવે છે, ખેડૂતો એકબીજાના અનુભવોમાંથી શીખે છે અને જ્ઞાન વહેંચે છે. તાલીમ અનવ્યે ખેડૂતોને અનુભવી ખેડૂતો અથવા નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને સમર્થન મળી રહે છે. આ અભિગમ ખેડૂતો વચ્ચે જ્ઞાનની વહેંચણી, કૌશલ્ય વિકાસ અને સામૂહિક પ્રગતિની સુવિધા આપે છે, જે પ્રાકૃતિક ખેતી પદ્ધતીને વધુ સારી રીતે અપનાવવામાં ખેડૂતોને મદદરૂપ બને છે અને સફળતા તરફ દોરી જાય છે.

- text

- text