કેન્દ્રીય બજેટમાં મોરબીની માંગ ન સંતોષાય : આવાસ યોજના થકી સિરામિકને આડકતરો લાભ

- text


સિરામીક ઉદ્યોગને એમએસએમઈમાં ન સમાવાયો : હવે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નેચરલ ગેસને જીએસટીમાં સમાવવાની માંગ સાંતોષવાની આશા 

મોરબી : વર્ષે દહાડે 20 હજાર રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈ આપી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે 50થી 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા મોરબીના સીરામીક, ઘડિયાળ સહિતના ઉદ્યોગ માટે મોદી સરકારનું કેન્દ્રીય બજેટ નિરાશાજનક રહ્યાનો સુર ઉઠ્યો છે.જો કે, મોરબી સીરામીક એસોસીએશને કેન્દ્રીય બજેટમાં ગરીબો માટે 3 કરોડ આવાસ બનાવવાની સરકારની યોજનાથી સીરામીક ઉદ્યોગને આડકતરો લાભ થશે તેવું જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજૂ કરેલા કેન્દ્રીય બજેટથી મોરબીના સીરામીક, ઘડિયાળ સહિતના ઉદ્યોગો માટે નક્કર કહી શકાય તેવો કે સીધો કોઈ લાભ મળ્યો ન હોવાનું મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું, તેમને ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ રાબેતા મુજબનું છે નવું કહી શકાય તેવું કે મોરબીને લાભ મળે તેવી કશું જ નથી છતાં બજેટના અભ્યાસ બાદ સરકારની યોજનાઓ વિષે સાચી હકીકત મળી શકશે.

- text

બીજી તરફ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબી સીરામીક ઉદ્યોગના સંગઠન એવા મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું કે, સીરામીક ઉદ્યોગ વતી અમોએ કેન્દ્ર સરકારને સીરામીક ઉદ્યોગને એમએસએમઈ હેઠળ સમાવી લેવા માંગ કરી હતી. હાલના સંજોગે સીરામીક ઉદ્યોગને એમએસએમઈમાં ન સમાવવામાં આવ્યો હોય પેમેન્ટ કંડીશનમાં ખુબ જ હેરાન થવું પડી રહ્યું છે, જો કે, બજેટમાં સીરામીક ઉદ્યોગની આ માંગ સંતોષાઈ ન હોય સીરામીક એસોસીએશને આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેમની બીજી માંગ નેચરલ ગેસને જીએસટીમાં સમાવી લેવાની માંગ સંતોષાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વધુમાં સીરામીક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના વર્ષ 2024-25ના આ બજેટથી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો મળ્યો નથી પરંતુ કેન્દ્ર સરકારે દેશમાં ગરીબો માટે 3 કરોડ ઘર બનવવા આવાસ યોજના જાહેર કરી છે જે અન્વયે આ આવાસ બનાવવામાં સીરામીક ટાઈલ્સની મોટા પ્રમાણમાં જરુરુત ઉભી થતા મોરબીના સીરામીક ઉદ્યોગને આડકતરો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. સાથે જ આગામી જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર સરકાર નેચરલ ગેસને જીએસટી હેઠળ આવરી લેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

- text