- text
મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા કાલિકા પ્લોટ મેન રોડ પર રાજ બેંકવાળી શેરીમાં વગર વરસાદે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
આ અંગે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી વગર વરસાદે રાજ બેંકવાળી શેરીમાં ભૂગર્ભ ગટર છલકાય છે. આસપાસના વિસ્તારમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આ અંગે ગુરુવારે ધારાસભ્યની કમિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પેચ વર્ક કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ તે કામ પણ કરાયું નથી. ગઈકાલે આ અંગે નગરપાલિકામાં અરજી આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
- text
- text