મોરબી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા લાલપર ગામે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

- text


ભવાઈ ક્ષેત્રે 50 વર્ષથી વધુ સમયથી યોગદાન આપી રહેલા પ્રવીણભાઈ ભાડલાનું સન્માન કરાયું

મોરબી : રંગમંચ, લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સંસ્કાર ભારતી સમિતિ દ્વારા આજે લાલપર ગામ ખાતે ભારતીય પરંપરા મુજબ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્કાર ભારતીના મુખ્ય છ ઉત્સવો પૈકી પ્રમુખ ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા. ભારતમાં ગુરૂ પરંપરા બધા ક્ષેત્રોમાં છે. ગુરુપૂજન એ કલાકારોના માટે શ્રેયકર છે. સંસ્કાર ભારતીની આઠ વિદ્યાશાખાઓમાની લોકકલા ભવાઈ ક્ષેત્રે જેમને 50 વર્ષ કરતા પણ વધુ સમયથી યોગદાન આપી રહેલા અને આવનારી પેઢી આ અમૂલ્ય વારસાનું જતન કરે એ માટે માર્ગદર્શન અને તાલીમ પુરી પાડનાર મોરબીના લાલપર ગામના નિવાસી પ્રવીણભાઈ કુંવરજીભાઈ ભાડલાનું મોરબી જિલ્લા સંસ્કાર ભારતી સમિતિ દ્વારા તેમની ભારતીય પરંપરા મુજબ તેમના નિવાસ સ્થાને સમિતિના સભ્યો દ્વારા અક્ષત કંકુથી તિલક કરી ફૂલહાર, ખેસ, શાલ ઓઢડી પૂજન અને આરતી કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવીણભાઈનો જન્મ મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામે થયેલો. તેઓ નાનપણથી જ આ ભવાઈ કલા સાથે જોડાયેલા છે. શરૂઆત તેમને ભવાઈ મંડળીમાં ગોરણીના પાત્રથી કરેલી. ત્યારબાદ ગણપતિ, જુનિભવાઈ, ઓડ અકબર ભીમ, જોગીદાસ ખુમાણ, એભલવાળા, ગોરા કુંભાર, નરસિંહ મહેતા, રામરાજ્ય દશરથ અને કંશ તેઓનું મુખ્ય પાત્ર ગણવામાં આવે છે. જુના અને નવા નાટકોમાં આબેહૂબ દરેક પાત્રોમાં તેઓ પારંગત છે અને ભવાઈ ક્ષેત્રના સહુથી જુના અને આ ક્ષેત્રના તેઓ આદરણીય વ્યક્તિ છે. હાલ 72 વર્ષ ઉંમર હોવા છતાં પણ તેઓ ઉત્સાહભેર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આ ઉત્સવમાં સંસ્કાર ભારતી મોરબી જિલ્લાના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી લોકગાયક પ્રાણલાલ પૈજા સહિતના મોરબી જિલ્લા સંસ્કાર ભારતીના સદસ્યો જોડાયા હતા.

- text

- text