મોરબીમાં ગંદકી દૂર કરો, નહિ તો ચાંદીપુરા વાયરસ વધુ ફેલાશે : કોંગ્રેસની આરોગ્ય મંત્રીને રજુઆત

- text


ગંદકીના સામ્રાજય બાબતે અગાઉ રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાની પણ રાવ

મોરબી : મોરબીમાં જો ગંદકી બાબતે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં નહિ આવે તો ચાંદીપુરા વાયરસ ફેલાતા વાર નહિ લાગે. માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ખૂબ જ વધી રહયું છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં અત્યાર સુધીમાં અંદાજીત ૨૯ કેસો નોંધાય આવેલ છે. આ બાબતે મોરબી જીલ્લામાં પણ હાલમાં ૩ કેસ શંકાસ્પદ નોંધાયેલ છે. આ વાયરસથી નિર્દોષ બાળકોનો ભોગ લેવાય છે. તે ખુબ જ ગંભીર બાબત છે.

સમગ્ર મોરબી જીલ્લા તેમજ શહેરમાં ઉભરાતી ગટરો, ગંદકી અને વરસાદથી ભરાયેલા ગંદા પાણીના ખાડા વિગેરે કારણોને લીધે આ વાયરસ વધુને વધુ તીવ્ર બને તેમ છે. અગાઉ પણ અમોએ ગંદકી બાબતે પ્રજાને સાથે રાખીને મોરબી જીલ્લા કલેક્ટર, ચીફ ઓફીસર તેમજ અન્ય અધિકારીઓને લેખીત આવેદન આપી ઉચ્ચ રજુઆત પણ કરેલ છે. તેમ છતાં આજ સુધી ગંભીર નોંધ લઈ કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી. હાલમાં પણ મોરબી જીલ્લા તથા શહેરમાં વ્યાપક પ્રમાણમાં ગંદકીનું સામ્રાજય ફેલાયેલ છે. આવી હાલતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધુ થવાની દહેશત છે. તેમજ આ ગંદકીના કારણે અન્ય મચ્છરજન્ય રોગો ફેલાવવાની પણ શક્યતાઓ રહેલી છે.

- text

આ બાબતે મોરબી કલેકટર તથા મોરબી નગરપાલીકાના વહીવટદારોને ગંદકી હટાવવા ઘટીત કાર્યવાહી કરી આવા વાયરસને અટકાવવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા રજુઆત છે. આજ સુધીમાં મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ માત્ર ૩ નોંધાયેલ છે. પરંતુ જો હાલની ગંદકીની પરિસ્થિતિને ધ્યાને લેતા જો કોઈ સુધારો કરવામાં નહી આવે તો આ વાયરસના સંક્રમણમાં વધારો થતાં વાર નહી લાગે. જેથી કરીને આરોગ્ય તંત્રએ પણ આ બાબતે સજાગ રહેવું ખુબ જ જરૂરી છે. પરંતુ ગંદકી દુર કરવાની જેની સરકારમાં જવાબદારી છે તે જવાબદાર અધિકારીઓ બેજવાબદાર તરીકે વર્તે તો નિર્દોષ સામાન્ય પ્રજા રોગચાળાને લીધે માંદગીમાં સપડાય જશે. જેના કારણે નિર્દોષ પ્રજાનો ભોગ લેવાશે. જેના માટે જવાબદાર કોણ ? તેમ અંતમાં જણાવાયુ હતું.

- text